સેલિના જેટલીએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યોઃ 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું

મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી સેલિના જેટલીએ તેના પતિ ઓસ્ટ્રિયન હોટેલિયર અને ઉદ્યોગસાહસિક પીટર હાગ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. અભિનેત્રીએ ઘરેલુ હિંસા કાયદાની જોગવાઈઓ હેઠળ કોર્ટનો સંપર્ક કર્યો છે અને હાગ પર ઘરેલુ હિંસા, ક્રૂરતા અને છેડતીનો આરોપ લગાવ્યો છે. તેણે તેના પતિના કારણે થયેલા આવકના નુકસાન માટે 50 કરોડ રૂપિયાની માંગણી પણ કરી છે. સેલિનાની અરજી મુદ્દે મુંબઈની એક કોર્ટે તેના પતિ હાગની વિરુદ્ધ ઔપચારિક નોટિસ જારી કરી છે.
સેલિનાએ કોર્ટ પાસે તેના ત્રણ બાળકોની કસ્ટડી માંગી
કોર્ટની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ત્રણ બાળકોની માતા 47 વર્ષીય સેલિના “તેના પતિના હાથે સતત ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે.” સેલિનાએ પીટર પાસેથી માસિક 10 લાખ રૂપિયા ભરણપોષણ અને 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. પોતાની અરજીમાં સેલિનાએ તેના પતિ પીટર હાગને તેના મુંબઈના ઘરમાં પ્રવેશતા અટકાવવાની પણ અપીલ કરી છે અને તેના ત્રણ બાળકો – વિન્સ્ટન, વિરાજ અને આર્થરની કસ્ટડી માંગી છે.
આ પણ વાંચો: 53મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની જાહેરાત; દિલજીત દોસાંઝ-ચમકીલા ચુકી ગયા, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી…
સેલિનાએ “નો એન્ટ્રી” સહિત અનેક ફિલ્મોમાં કર્યું છે કામ
સેલિના જેટલી અને પીટર હાગે 2011 માં ઑસ્ટ્રિયામાં લગ્ન કર્યા હતા અને માર્ચ 2012 માં જોડિયા પુત્રોના માતાપિતા બન્યા હતા. 2017માં તેઓ ફરી જોડિયા પુત્રોના માતા-પિતા બન્યા, પરંતુ તેમાંથી એકનું હાર્ટએટેકને કારણે મૃત્યુ થયું હતું.
સેલિનાએ “નો એન્ટ્રી”, “ગોલમાલ રિટર્ન્સ”, “થેંક યુ”, “અપના સપના મની મની” અને “મની હૈ તો હની હૈ” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી સેલિના મોટાભાગે જાહેર જીવનથી દૂર રહી છે, ક્યારેક ક્યારેક કોઈ ખાસ અંગત ઘટનાને કારણે સમાચારમાં રહે છે.



