સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર ચાર જુલાઈની વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીનો ગોખલે પુલ અને સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર વચ્ચે રહી ગયેલા અંતરને જોડવાનું કામ પૂરું કરીને લોડ ટેસ્ટના પરિણામની રાહ જોવાતી હતી. તે મળી જતા હવે આ પુલને ચોથી જુલાઈએ ખુલ્લો મુકવામાં આવવાનો હોવાની જાહેરાત બીએમસીએ કરી છે.
અગાઉ પાલિકાએ સી.ડી.બરફીવાલા ફ્લાયઓવર અને ગોખલે પુલને સમાંતરમાં લાવીને પહેલી જુલાઈએ ખુલ્લા મુકવાની જાહેરાત કરી હતી. જોકે લોડ ટેસ્ટનું પરિણામ આવ્યું ન હોવાથી પુલ ખુલ્લો મૂકવા માટે રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન પાલિકાએ ચોથી જુલાઈ, ગુરુવારના સાંજથી આ ફ્લાયઓવરને ખુલ્લો મુકવાની જાહેરાત કરી છે. અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોખલે પુલ અને સી.ડી.બરફીવાલા પુલ વચ્ચે લગભગ છ ફૂટનું અંતર રહી ગયું હતું.
આ પણ વાંચો: બોલો, ફરી પાછું ગોખલે બ્રિજનું કામકાજ લટક્યું, હવે આ મહિને થઈ શકે છે શરૂ
ચોતરફ ટીકા થયા બાદ પાલિકાએ આ બંને પુલને એક અંતર પર લાવવા માટે આઈઆઈટી બોમ્બે અને વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ)ની સલાહ લીધી હતી. બરફીવાલા ફ્લાયઓવરને ગોખલે પુલની સમાંતર લાવવા માટે હાઈડ્રોલિક જૅક અને ‘એમએસ સ્ટૂલ પૅકિંગ’નો ઉપયોગ કરીને જોડવાનું કામ ૭૮ દિવસમાં પૂરું કરવામાં આવ્યું હતું. પાલિકાના અધિકારીના કહેવા મુજબ બરફીવાલા ફ્લાયઓવરની એક બાજુ ૧,૩૯૭ મિલીમીટર અને બીજી બાજુ ૬૫૦ મિ.મી. ઊંચકવામાં આવી છે.