Western Railwayની લોકલમાં મોટરમેનની કેબિન પર લગાવાશે CCTV Camera…

મુંબઈઃ રેલવે એક્સિડન્ટ્સની પારદર્શક તપાસ થાય અને લોકલ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરવાના કિસ્સામાં મજબૂત પૂરાવો મળી રહે એ માટે મોટર મેનની કેબિન પર સીસીટીવી કેમેરા બેસાડવાની શરૂઆત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. લોકલ ટ્રેન કલાકની 100 કિલોમીટરની સ્પીડ પર દોડતી હોવા છતાં પણ આ કેમેરા એકદમ સ્થિર વીડિયો શૂટ કરશે.
વસઈ અને નાયગાંવ વચ્ચે સિગ્નલ રિપેર કરી રહેલાં રેલવે કર્મચારીનું 22મી જાન્યુઆરી, 2024ના મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં મુખ્ય સિગ્નલિંગ નિરીક્ષક વાસુ મિત્રા, ઈલેક્ટ્રિકલ સિગ્નલિંગ મેન્ટેનર એલ. સોમનાથ અને હેલ્પર સચિન વાનખેડેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
અકસ્માત બાદ ગઠન કરવામાં આવેલી તપાસ સમિતીએ લોકલ ટ્રેનના મોટરમેનની કેબિન પર સીસીટીવી કેમેરા બેસાડવાની ભલામણ કરી હતી. કેબ સામેના સીસીટીવી કેમેરા 2 મેગા પિક્સલના છે. આ કેમેરામાં વોઈસ અને વીડિયો રેકોર્ડિંગ એમ બંને સુવિધાઓ આપવામાં આવી છે. અદ્યતન તંત્રજ્ઞાનથી સજ્જ એવી ડિઝાઈન્સને કારણએ લોકલ ટ્રેન કલાકની 80થી 100 કિલોમીટરની સ્પીડથી દોડતી હોવા છતાં પણ સ્ટીલ વીડિયો શૂટ કરી શકશે.
આ પણ વાંચો : Mumbaikarઓને મળશે વધારાની 2,000 મેગાવૉટ વીજળી
મોટરમેનની કેબિન પર એક સીસીટીવી કેમેરા બેસાડવાનો ખર્ચ 92,000 રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. 224 લોકલમાંથી 61 જેટલી કેબિન પરના સીસીટીવી કેમેરા એક્ટિવ છે, જ્યારે બાકીની કેબિન પર પણ કેમેરા બેસાડવાનું કામ ચાલુ છે. રેલવે એક્સિડન્ટ્સ કે કોઈ અપ્રિય ઘટનાઓની તપાસ કરતી વખતે આ કેમેરા ખૂબ જ મદદરૂપ સાબિત થશે, એવો વિશ્વાસ રેલવે અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.
આધુનિક એલર્ટ યંત્રણા કાર્યાન્વિત કરવી, રેલવે ટ્રેક પર કામ ચાલી રહ્યું હોય ત્યારે ટ્રેક પર આવી રહેલી ટ્રેનોની માહિતી આપતા સમર્પિત કર્મચારીની નિયુક્તિ કરવાની ભલામણ પણ સમિતી દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય ટ્રેક પર કામ કરી રહેલાં કર્મચારીઓને એકબીજા સાથે સંપર્ક સાધવા માટે મોબાઈલને કારણે વોકીટોકી આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી. પરંતુ તેમાં સર્જાતી ખામીને કારણે સારી ગુણવત્તાના વોકીટોકી કર્મચારીઓને આપવામાં આવશે.