આમચી મુંબઈ

કેનેડિયન-અમેરિકનો પાસેથી સાયબર ખંડણીની વસૂલી: મુંબઈ-અમદાવાદમાં સીબીઆઈ ત્રાટકી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સરકારી અધિકારીના સ્વાંગમાં ખોટા આરોપો કરીને કેનેડિયન અને અમેરિકન નાગરિકોને ડરાવી-ધમકાવીને સાયબર ખંડણી વસૂલવાના આંતરરાષ્ટ્રીય રૅકેટની તપાસ કરનારી સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) મુંબઈ-અમદાવાદમાં અનેક સ્થળે રેઇડ કરી હતી. આ રૅકેટમાં કથિત રીતે સંડોવાયેલા અને વૈભવી જીવનશૈલી ધરાવતા આરોપીને મુંબઈથી પકડી પાડવામાં આવ્યો હતો.

સીબીઆઈએ ગુરુવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ પ્રિન્સ જશવંતલાલ આનંદ તરીકે થઈ હતી. આરોપી આનંદ આંતરરાષ્ટ્રીય સાયબર ખંડણી વસૂલીમાં સંડોવાયેલી સિન્ડિકેટનો સૂત્રધાર હોવાનું કહેવાય છે. તેને વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ચાર દિવસની કસ્ટડી ફટકારી હતી.

આ પણ વાંચો: સાયબર ગુનાઓની યાદીમાં આર્થિક છેતરપિંડી ટોચ પર, ટેક-સેવી પોલીસની જરૂર: દેવેન્દ્ર ફડણવીસ

વિદેશી નાગરિકોને ધમકાવીને સાયબર ખંડણી વસૂલવામાં આવતી હોવાની ફરિયાદોને પગલે સીબીઆઈએ ‘ઑપરેશન ચક્ર’ હાથ ધરી બુધવારે મુંબઈ અને અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આરોપી સરકારી અધિકારીના સ્વાંગમાં કેનેડા અને અમેરિકાના નાગરિકોને કૉલ કરતો હતો. વિવિધ પ્રકારના આરોપો કરી કાનૂની સકંજામાં સપડાવાનો ભય દેખાડી વિદેશી નાગરિકોને ધમકાવતો હતો. બાદમાં તેમની પાસેથી ખંડણી તરીકે ક્રિપ્ટો કરન્સી સ્વરૂપમાં વસૂલી કરતો હતો.

ઑપરેશન દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આરોપીએ સાયબર ફ્રોડ માટે સુનિયોજિત સિસ્ટમ વિકસાવી હતી. આરોપી ખૂબ જ વૈભવી જીવનશૈલી જીવતો હોવાનું તેની પાસેથી જપ્ત કરાયેલી માલમતા પરથી જણાયું હતું.

આ પણ વાંચો: ‘સાયબર પોલીસે’ જ જ્યારે ખંડણી વસૂલી…

આરોપી પાસેથી 45,000 યુએસ ડૉલર્સ મૂલ્યની વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ જપ્ત કરવામાં આવી હતી. તેની પાસેથી લક્ઝુરિયસ વાહનો, મોંઘીદાટ એસેસરીઝ અને બિનહિસાબી મિલકત સંપત્તિ પણ મળી આવી હતી. એ સિવાય તે છાશવારે વિદેશ ગયો હોવાના પણ પુરાવા મળ્યા છે, એવો દાવો સીબીઆઈએ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button