મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સીબીઆઇના સકંજામાં, ગુનો દાખલ કરાયો
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે સીબીઆઇ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના નેતા ગિરીશ મહાજનને ખોટા ગુનામાં ફસાવવા માટે જળગાંવના તત્કાલીન પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પર દબાણ નાખવાનો આરોપ અનિલ દેશમુખ પર કરાયો છે.
સીબીઆઇએ આ પ્રકરણે હવે અનિલ દેશમુખને પણ આરોપી બનાવ્યા છે. આ અગાઉ આ પ્રકરણમાં વિશેષ સરકારી વકીલ પ્રવીણ ચવ્હાણ અને અન્ય આરોપી હતી. પોલીસ અધિકારી પ્રવીણ મુંઢેએ અનિલ દેશમુખના વિરોધમાં જુબાની આપી હતી.
મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારના કાર્યકાળમાં ભાજપના નેતા ગિરીશ મહાજન સામે પુણેમાં એમસીઓસીએ હેઠળ એક ગુનો દાખલ કરાયો હતો, પણ આ કેસ જળગાંવમાં નોંધવામાં આવે એ માટે તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તત્કાલીન જળગાંવ એસપી પ્રવીણ મુંઢેને સતત ફોન કર્યો હતો.
દેશમુખે ગિરીશ મહાજન સામે ગુનો દાખલ કરવા માટે એસપી પર દબાણ આપ્યું હતું, એવી કબૂલાત પોતે પ્રવીણ મુંઢેએ સીબીઆઇ સમક્ષ કરી છે.
આ પણ વાંચો : ફડણવીસના રાજમાં ગુનેગારો પોલીસથી ડરતા નથી: અનિલ દેશમુખનો આરોપ
‘ગૃહ પ્રધાન અનિલ દેશમુખ મને સતત ફોન કરતા હતા’, એમ મુંઢેએ નિવેદન નોંધાવતી વખતે કહ્યું હતું.
ગિરીશ મહાજન સામે એમસીઓસીએ હેઠળ ગુનો દાખલ કરાયા બાદ આ પ્રકરણ સીબીઆઇને સોંપવામાં આવ્યું હતું.
હજી આ કેસની તપાસ ચાલુ છે.
એમવીએ સરકાર દરમિયાન ગિરીશ મહાજનને ફસાવવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. વિધાનસભાના અધિવેશનમાં ફડણવીસે સભાગૃહમાં વિશેષ સરકારી વકીલ પ્રવીણ ચવ્હાણ સંબંધિત ત્રણ સ્ટિંગ ઓપરેશનના વીડિયો દેખાડ્યા હતા અને આ ઓપરેશનની પેનડ્રાઇવ પણ રજૂ કરી હતી.
હું ગભરાવાનો નથી: દેશમુખ
શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખે પ્રતિક્રિયા આપતા દાવો કર્યો હતો કે તેમને સીબીઆઇ દ્વારા નવા ‘પાયાવિહોણા’ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે અને કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ લોકસભાની ચૂંટણીના પરિણામથી છંછેડાઇ ગયા છે તેથી તેમના દ્વારા આ નવું ષડયંત્ર રચવામાં આવ્યું છે.
દેશમુખ પહેલાથી સીબીઆઇ દ્વારા કથિત ભ્રષ્ટાચારનો કેસ અને ઇડી દ્વારા અન્ય કેસનો સામનો કરી રહ્યા છે.
‘ફડણવીસ જનતાના ચુકાદાથી ગભરાઇ ગયા છે તેથી તેઓ આ પ્રકારનું ષડયંત્ર રચી રહ્યા છે, પરંતુ હું આ પ્રકારના દબાણ અને ધમકીઓથી ડરવાનો નથી’, એમ દેશમુખે જણાવ્યું હતું.