નવી મુંબઈમાં સીબીઆઈએ લાંચના કેસમાંઆરપીએફના અધિકારીની ધરપકડ કરી
થાણે: જપ્ત કરેલું ટ્રેઈલર પાછું સોંપવા માટે 70 હજાર રૂપિયાની લાંચ લેવા બદલ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) નવી મુંબઈમાં ફરજ બજાવતા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના સબ-ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી.
સીબીઆઈના જણાવ્યા મુજબ આરપીએફની ઉરમ આઉટપોસ્ટ ખાતે પોસ્ટિંગ ધરાવતા આરોપી બબલુ કુમારની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તપાસના ભાગ રૂપે સીબીઆઈએ આરોપીના કલ્યાણ સ્થિત નિવાસસ્થાને સર્ચ પણ હાથ ધરી હતી.
જપ્ત કરેલું ટ્રેઈલર છૂટું કરવા માટે એક વ્યક્તિએ રેલવે કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી 20 જુલાઈએ થવાની હતી. જોકે આરોપી સબ-ઈન્સ્પેક્ટરે અરજી કરનારી વ્યક્તિને કથિત ધમકી આપી હતી કે લાંચની રકમ ન આપે તો કોર્ટના આદેશ બાદ પણ તે ટ્રેઈલર પાછું નહીં સોંપે.
આ પણ વાંચો: આવતા વર્ષથી તમે નવી મુંબઈથી પણ ટેક ઑફ કરી શકશો…
આ પ્રકરણે ફરિયાદને આધારે સીબીઆઈએ મંગળવારે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પાસેથી 70 હજાર રૂપિયા સ્વીકારનારા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. ધરપકડ પછી આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. કોર્ટે તેને 19 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)