ઘાટકોપરના વેપારીની મુલુંડની ઑફિસમાંથી લાખોની રોકડ ચોરાઈ
મુંબઈ: ઘાટકોપરમાં રહેતા વેપારીની મુલુંડ સ્થિત ઑફિસમાંથી ગઠિયો 8.11 લાખની રોકડ ચોરી ફરાર થઈ ગયો હતો.
ઈલેક્ટ્રોનિક અને કોસ્મેટિકનો હોલસેલનો વ્યવસાય ધરાવતા અજિત વોરા (54)ની મુલુંડ પશ્ર્ચિમમાં એસ. એલ. રોડ પર ગોદામ-કમ-ઑફિસ આવેલી છે. ઑફિસમાંની તિજોરીમાંથી રોકડ ચોરાઈ હોવાની પોલીસ ફરિયાદ વોરાએ નોંધાવી હતી. ફરિયાદને આધારે મુલુંડ પોલીસે સોમવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર શનિવારની રાતે 10 વાગ્યાની આસપાસ ઑફિસ અને બિલ્ડિંગના મેઈન ગેટના દરવાજાને લૉક લગાવી વેપારી ઘરે ગયા હતા. બીજી સવારે સામેની દુકાનવાળાએ તેમને ઘટનાની જાણ કરી હતી. ગઠિયો મેઈન દરવાજા અને ઑફિસના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યો હતો.
વેપારીએ જઈને જોયું તો ઑફિસમાંનો સામાન અસ્તવ્યસ્ત નજરે પડ્યો હતો અને તિજોરીમાંથી રોકડ ગુમ હતી. શકમંદની શોધ માટે પોલીસ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.