યુપીમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરી રોકડ લૂંટનારો અંધેરીમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર પ્રદેશમાં કૅશવૅન પર અંધાધૂંધ ગોળીબાર કરીને રોકડ લૂંટનારી ટોળકીના સભ્યને અંધેરી પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
યુપીમાં ગોળીબાર કરી કૅશવૅનના ગનમૅન જય સિંહની હત્યા કર્યા બાદ રોકડ લૂંટી ફરાર થઈ ગયેલા આરોપીમાંથી એક ચંદન કમલેશ પાસવાન (20) અંધેરીના એમઆઈડીસી વિસ્તારમાં ઉપાધ્યાય નગર ખાતે સંતાયો હોવાની માહિતી એમઆઈડીસી પોલીસને મળી હતી. આ બાબતની જાણ યુપીની કટરા પોલીસને કરવામાં આવી હતી.
કટરા પોલીસ પાસેથી સંબંધિત ઘટનાની વિગતો મેળવ્યા બાદ એમઆઈડીસી પોલીસે છટકું ગોઠવી પાસવાનને પકડી પાડ્યો હતો. ઝારખંડના ચતરા જિલ્લાના વતની એવા આરોપીને વધુ કાર્યવાહી માટે કટરા પોલીસના તાબામાં સોંપાયો હતો.
કટરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઘટના 12 સપ્ટેમ્બરે મિર્ઝાપુર સ્થિત ખાનગી બૅન્કના એટીએમ સેન્ટર બહાર બની હતી. એટીએમમાં રોકડ જમા કરાવવા કૅશવૅન સાથે કર્મચારીઓ પહોંચ્યા ત્યારે બે બાઈક પર ચાર લૂંટારા ત્યાં આવ્યા હતા. હેલ્મેટ પહેરેલા આરોપીઓએ અંધાધૂંધ ગોળીબાર કરવા માંડ્યો હતો, જેમાં ગનમૅનને ગોળી વાગી હતી. ગોળીબાર કરી આરોપીઓ કૅશ બૉક્સ અને એક બૅગમાં રોકડ ભરી ફરાર થઈ ગયા હતા.