ઝાડુથી પતિને મારવાનો કેસ, નક્કર પુરાવાના અભાવે હાઈકોર્ટેની પત્નીને રાહત
મુંબઈ: ઝધડા દરમિયાન કથિત રીતે પતિને ઝાડુ વડે મારનાર પત્નીને મુંબઇ હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે પત્ની વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટ રદ કરી છે. ઝઘડા દરમિયાન પત્નીએ કથિત રીતે તેના પતિને બચકું ભર્યું હતું. આ પછી પતિએ પત્નીને થપ્પડ મારી. દુર્વ્યવહારથી કંટાળીને પતિએ એપ્રિલ 2022માં સાયન પોલીસ સ્ટેશનમાં તેની પત્ની વિરુદ્ધ એફઆરઆઇ નોંધાવી હતી.
જસ્ટિસ પીડી નાઈક અને જસ્ટિસ એનઆર બોરકરની ખંડપીઠ સમક્ષ પત્નીની અરજીની સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ ખંડપીઠે ચાર્જશીટ પર વિચાર કર્યા બાદ કહ્યું હતું કે એફઆઈઆરમાં દર્શાવેલી બાબતો દર્શાવે છે કે પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસેલા હતા.
કેસની હકીકત કલમ 324 હેઠળ ગુનાના તત્ત્વોની ગેરહાજરી દર્શાવે છે. ફરિયાદી દ્વારા રજૂ કરાયેલ મેડિકલ રિપોર્ટ સૂચવે છે કે પતિને ગંભીર ઈજાઓ થઈ છે, પરંતુ પોલીસ રિપોર્ટ આનો સંકેત આપતો નથી. રિપોર્ટમાં પતિએ પોતાની જાતને ઈજા પહોંચાડવાની શક્યતા દર્શાવી છે. કેસમાં સાક્ષીઓનાં નિવેદનો ફરિયાદીના આરોપોને સમર્થન આપતા નથી. ચાર્જશીટમાં પત્ની (અરજીકર્તા) સામે કોઈ ગુનો નોંધાયો નથી. એમ પણ રીતે અરજદારના પતિનું અવસાન થયું છે, તેથી પત્ની સામેના કેસને લગતી કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે. કેસની ચાર્જશીટ રદ કરવામાં આવે છે.
પોલીસે પત્ની વિરુદ્ધ કલમ 324, 427, 504, 506 અને 34 હેઠળ કેસ નોંધ્યો હતો. ત્યારબાદ તપાસ બાદ કુર્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પત્ની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પત્નીએ હાઈ કોર્ટમાં અરજી કરીને તેને રદ કરવાની માગ કરી હતી. અરજીમાં મહિલાએ દાવો કર્યો હતો કે તેના પતિનું હવે મૃત્યુ થઈ ગયું છે. ચાર્જશીટમાં સમાવિષ્ટ વિગતો એફઆરઆઇમાં ઉલ્લેખિત કલમો હેઠળના ગુનાને જાહેર કરતી નથી. પોલીસે રજૂ કરેલા મેડિકલ રિપોર્ટમાં પતિએ પોતાને ઈજા પહોંચાડી હોવાની શક્યતા દર્શાવાઈ છે. અરજી મુજબ પતિ પત્નીને મારતો હતો. એફઆરઆઇમાં ઘણા પાસાઓ પર ધ્યાન અપાયું નથી. કેસના સંબંધમાં પોલીસે ઉમેરેલા પુરાવાની પુષ્ટિ કરવા માટે કોઈ નક્કર આધાર નથી.