ઉદ્ધવ સેનાના ઉમેદવાર કેદાર દિઘે વિરુદ્ધ કેસ દાખલ
થાણેઃ થાણે પોલીસે બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોપરી-પંચપાખાડી બેઠક પરથી શિવસેના (ઉભાથા) ઉમેદવાર કેદાર દિઘે વિરુદ્ધ દારૂ અને રોકડ રાખવાના આરોપમાં કેસ નોંધ્યો છે. કેદાર દિઘે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજકીય માર્ગદર્શક સ્વર્ગસ્થ આનંદ દિઘેના ભત્રીજા છે, જેમનો થાણેમાં શિવસેનાના નેતા તરીકે નોંધપાત્ર પ્રભાવ હતો. આ ઘટના મંગળવારે એટલે કે 19 નવેમ્બરે મોડી રાતે બની હતી.
કેદાર દિઘેએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઓથોરિટી ડરેલી છે. હું જ મારી કારને જાતે પોલીસ સ્ટેશન લઇ ગયો હતો. મારી કારની તપાસ કરવામાં આવી હતી, અને તેમાંથી કંઇ મળ્યું નહોતું, પણ જાણીજોઇને મારું નામ બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એ લોકો કોપરી-પંચપાખાડીમાં સાડીઓ વહેંચી રહ્યા છે, પૈસા વહેંચી રહ્યા છે. તેમની સામે કોઇ આરોપ લગાવવામાં નથી આવતા. મારી કારનો તપાસનો વીડિયો સામે આવ્યો છે. કારમાંથી કંઇ નથી મળ્યું, તેમ છતાં મારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Also Read – શિંદે, ઠાકરે, ફડણવીસ કે પવાર, સીએમની પહેલી પસંદ કોણ? એક્ઝિટ પોલ્સ ચોંકી ગયા…
એમ જાણવા મળ્યું છે કે મંગળવારે રાતે કોપરી વિસ્તારના અષ્ટવિનાયક ચોકમાં કેદાર દિઘે મતદારોને દારૂ અને પૈસાનું વિતરણ કરી રહ્યા હોવાની માહિતી મળતા ચૂંટણી પંચની ટીમે દિઘે અને તેમના સાથીદારોની કારની ઝડતી લીધી હતી. કારમાંથી તેમને દારૂની 10 બોટલ અને મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર બુધવારે મતદાન પૂર્ણ થયું છે, પરિણામ હવે 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.