થાણેના મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ ભાજપના કાર્યકર સામે ગુનો

થાણે: થાણેમાં આવેલા મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા અને જાતિવાદી ટિપ્પણી કરવા પ્રકરણે ભાજપના કાર્યકર વિરુદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
મહિલાની ફરિયાદને આધારે પોલીસે ગુરુવારે ભાજપના કાર્યકર વિજય ત્રિપાઠી અને કેટલાક અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કર્યા હતા.
ગણેશોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે સ્થાનિક નેતાઓ દ્વારા એક મંદિરમાં બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન આ ઘટના બની હતી.
વિજય ત્રિપાઠી તથા અન્ય ત્રણ જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુના દાખલ કરાયા હતા.
ફરિયાદ અનુસાર આરોપી બુધવારે રાતે બેઠકમાં હાજરી આપવા માટે પગરખાં સાથે મંદિરમાં પ્રવેશ્યા હતા. આને લઇ મહિલાએ વાંધો ઉઠાવતાં તેમણે મહિલાને અયોગ્ય સ્પર્શ કર્યો હતો.
ભૂતપૂર્વ નગરસેવક વિકાસ રેપાલેએ બોલાવેલી બેઠક દરમિયાન શખસને કથિત રીતે ગાળો ભાંડવા અને તેની જાતિ વિશે ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા એફઆઇઆરમાં ત્રિપાઠીનું નામ છે.
પોલીસે આ અગાઉ મંદિરમાં બેઠક બાદ 25 વર્ષના દલિત યુવક પર હુમલો કરવા બદલ ભૂતપૂર્વ નગરસેવક અને શિવસેનાના નેતા રેપાલે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
રેપાલેએ દાવો કર્યો હતો કે તે ઘટનાસ્થળે હાજર નહોતો અને જૂની અદાવતને લઇ તેનું નામ આ મામલામાં ઘસડવામાં આવ્યું છે. (પીટીઆઇ)