દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ અવોર્ડ્સના નામે સરકાર અને બેંકો સાથે છેતરપિંડીના કેસમાં એફઆઈઆર
![Image depicting a gavel, film reel, and festival backdrop with a Dadasaheb Phalke banner symbolizing a fraud investigation.](/wp-content/uploads/2025/02/dadasaheb-phalke-fraud-case.webp)
મુંબઈઃ ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેનું નામ વાપરી તેમના નામે એવોર્ડ્સ આપતા આયોજકો સામે મુંબઈ પોલીસે એફઆઈઆપ નોંધી છે. દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ્સ આ નામ હેઠળ એવોર્ડ્સ આપવા માટે કેન્દ્ર સરકારનું ફંડ અને બેંકો તેમ જ અન્ય ખાનગી કંપનીઓ પાસેથી ફંડ લઈ તેમાં છેતરપિંડી કરવા સહિતના ઘણા આક્ષેપો આયોજકો પર થયા છે. આયોજક તરીકે અનિલ મિશ્રા અને તેમના પુત્ર અભિષેક મિશ્રા સામે એફઆઈઆર થઈ છે. ભારતીય ફિલ્મ સંઘના મહારાષ્ટ્રના અધ્યક્ષ સમીર દીક્ષિતે આ ફરિયાદ કરી હતી. તેઓ ભાજપના ફિલ્મ કામગારો માટે બનેલા સંઘના અધ્યક્ષ છે.
તેમની ફરિયાદ અનુસાર તેમને 19-20 ફેબ્રુઆરીના રોજ મુંબઈના બાંદ્રાની એક ફાઇવ સ્ટાર હોટલમાં દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ (DPIFF)યોજાવાનો છે તેવી માહિતી મળી હતી. અનિલ મિશ્રા અને તેમની પત્નીનાં નામે છે તે કંપની ઇન્ટરનેશનલ ટુરિઝમ ફેસ્ટિવલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. દીક્ષિતે આરોપ લગાવ્યો હતો કે મિશ્રાએ ઈવેન્ટની ખોટી જાહેરાત કરી હતી અને તેને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાયેલા સત્તાવાર દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સાથે જોડાયેલ હોવાનું પણ જણાવ્યું હતું. મિશ્રાએ તેમની વેબસાઇટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પ્રવાસન પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કથિત રીતે પ્રશંસાના પત્રો પણ અપલોડ કર્યા હતા.
આ સાથે તેમણે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના સાત રાજ્યના પ્રવાસન વિભાગ પણ જોડાયેલા હોવાનો અને મળી 12 કંપની તેમની સાથે જોડાયેલી હોવાનું પણ જાહેરાતોમાં જણાવ્યું હતું. મિશ્રાએ આવી લોભામણી જાહેરાતો આપી અને બોલીવૂડના સેલિબ્રિટીઝ હાજર રહેવાના છે તેમ કહી રૂ. 2.5 લાખમાં ટિકિટો ઑનલાઈન વેચી. આ સાથે જે અભિનેતાઓની ફિલ્મો સફળ રહી નથી તેમને પણ એવોર્ડસ આપવાના નામે છેતરાવમાં આવ્યાનું જાણવા મળ્યું છે.
Also read: દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે વહીદા રહેમાનની પસંદગી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસા મિશ્રાએ જે કંપનીના નામે પૈસા એકઠા કર્યા છે જે કંપનીને તાળા લાગી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દાદાસાહેબ ફાળકેના સન્માનમાં તેમના નામે લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ્સ સહિતના એવોર્ડ્સ કેન્દ્ર સરકાર જાહેર કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર નેશનલ ફિલ્મ એવોર્ડ્સ પણ દર વર્ષે જાહેર કરે છે. ઉપરાંત અલગ અલગ સંસ્થા દ્વારા ખાનગી રીતે એવોર્ડ્સ સમારંભો યોજાતા હોય છે. મિશ્રા તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા હજુ સુધી મળી નથી. મુંબઈ પોલીસે 318 (4), 319 (2)ની કલમો હેઠળ કેસ રજિસ્ટર કરી તપાસ હાથ ધરી છે.