આમચી મુંબઈ

ભરરસ્તે કારની ડિકીમાંથી લટકતા હાથે કુતૂહલ સાથે ડર ફેલાવ્યો

વીડિયો વાયરલ થતાં પોલીસે ચાર જણને તાબામાં લીધા: ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

મુંબઈ: લૅપટૉપના વેચાણ માટે રીલ બનાવવા વિચિત્ર અખતરો અજમાવવા જતાં ચાર જણે પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. નવી મુંબઈમાં ભરરસ્તેથી પસાર થતી કારની ડિકીમાંથી બહાર લટકતા હાથે વાહનચાલકોમાં કુતૂહલ સાથે ડર ફેલાવ્યો હતો. આ ગતકડાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં પોલીસે કારને ટ્રેસ કરી ચાર જણને તાબામાં લીધા હતા.

કારની ડિકીમાંથી કોઈ વ્યક્તિનો હાથ બહાર લટકી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાની માહિતી સાનપાડા પોલીસને સોમવારની રાતે 8.45 વાગ્યે મળી હતી. માહિતીને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મામલો ગંભીર હોવાનું જણાતાં ક્રાઈમ બ્રાન્ચ પણ કારને ટ્રેસ કરવા માંડી હતી.

આ પણ વાંચો: રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર કરનારો રીલ્સ સ્ટાર નાશિકમાં પકડાયો

મળતી માહિતી અનુસાર સફેદ કલરની ઈનોવા કાર નવી મુંબઈના ભીડવાળા માર્ગ પરથી પસાર થઈ રહી હતી. કારની ડિકી થોડી ખુલ્લી હતી અને તેમાંથી એક વ્યક્તિનો હાથ બહારની તરફ લટકી રહ્યો હતો, જેની વીડિયો રેકોર્ડિંગ કારની પાછળ જઈ રહેલા વાહનમાંથી કરવામાં આવી રહ્યું હતું.

વાહનોની ભીડવાળા માર્ગ પરથી આ કાર પસાર થઈ રહી હતી. પરિણામે બીજાં વાહનોમાં મુસાફરી કરતા લોકોએ પણ કારનું રેકોર્ડિંગ કરી લીધું હતું, જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

કારમાં કોઈનું અપહરણ કરવામાં આવ્યું હતું કે હત્યા બાદ શબને લઈ જવાતું હતું, એવી ધારણાથી લોકોમાં ભય ફેલાયો હતો. આખરે આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. કારના રજિસ્ટ્રેશન નંબરને આધારે પોલીસ કોપરખૈરાણેમાં રહેતા ઈન્ઝમામ અખ્તર રઝા શેખ સુધી પહોંચી હતી.

આ પણ વાંચો: રિવોલ્વરની ધાકે યુવતી પર બળાત્કાર: રીલ્સ સ્ટાર અને તેના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો

ઈન્ઝમામની પૂછપરછમાં ડિકીમાંથી લટકતા હાથનો ભેદ ખૂલ્યો હતો. આ પ્રકરણે ઇન્ઝમામ સહિત મીનહાઝ મોહમ્મદ અમીન શેખ (25), શહાવાર તારીખ શેખ (24) અને મીરા રોડમાં રહેતા મોહમ્મદ અનસ અહમદ શેખ (30) વિરુદ્ધ મોટર વેહિકલ ઍક્ટની કલમ 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ચારમાંથી એકની કોપરખૈરાણેમાં લૅપટૉપની દુકાન છે. લૅપટૉપનું વેચાણ વધારવા તેણે લોકોનું ધ્યાન ખેંચાય એવી રીલ બનાવવાનું નક્કી કર્યું હતું. રીલ બનાવવા માટે આ પ્રકારતનું ગતકડું કરી તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે.

માત્ર ઑનલાઈ વધારે વ્યૂઝ મેળવવા અને લોકોનું ધ્યાન ખેંચવા આ ઘટનાને નાટ્યાત્મક બનાવવાનો તેમનો ઇરાદો હતો, એવું પોલીસનું કહેવું છે. જોકે આ કૃત્ય અને લૅપટૉપના વેચાણનું પ્રમોશન કઈ રીતે કડી ધરાવે છે તે અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નહોતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button