અચાનક આવેલા પૂરમાં તણાઇ કાર અને પાનની દુકાન
મુંબઇઃ રાજ્યમાંવરસાદની મોસમ પૂરબહારમાં જામી છે, જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મુંબઇ ઉપરાંત મહારાષ્ટ્રના આંતરિયાળ વિસ્તારોમાં પણ ધઓધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે નદી નાળા બે કિનારે વહી રહ્યા છે. નદીઓ ગાંડીતૂર બની છે અને માર્ગમાં આવતી અનેક વસ્તુઓને અડફેટમાં લઇને તેનો નાશ કરી રહી છે.
રાજ્યના બુલઢાણા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે નદી ઉફાન પર છે. બુલઢાણાથી એક ડરામણો વીડિયો આવ્યો છે, જેમા ગાંડીતૂર નદીના પ્રવાહમાં એક કાર અને પાનની દુકાન તણાઇ જતી જોવા મળે છે.
ભારે વરસાદને કારણે બુલઢાણાના જિલ્લાના ખામગાંવથી નાંદુરા રોડ પર સ્થિત સુતાલા ગામમાંથી વહેતી નાની નદીમાં પૂર આવ્યું હતું. આ નદીના કિનારે પાર્ક કરેલી કાર અને કારની બાજુમાં આવેલી પાનની દુકાન પણ નદીના પ્રવાહમાં તણાઇ ગઇ હતી.
આ પણ વાંચો: યુએઇ અને આસપાસના દેશોમાં ભારે વરસાદ: ઓમાનના પૂરમાં મૃત્યુઆંક વધીને ૧૮ થયો
દેશના આર્થિક પાટનગર મુંબઇની વાત કરીએ તો ભારે વરસાદને કારણે અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રોડ પર જામ લાગેલા છે અને રેલ્વે લાઇન પરના વાહનવ્યવહારને પણ અસર થઇ છે.
રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેક પરથી પાણી હટાવવાની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં વાહન વ્યવહાર સામાન્ય થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મુંબઈના લોકોને જરૂર પડ્યે જ બહાર આવવા અપીલ કરી છે અને તમામ ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.