બાળ ઠાકરેના ખરા વારસદાર સિદ્ધ થઈ શકશે એકનાથ શિંદે?
લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની ખરી પરીક્ષા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સામે આગામી લોકસભાની ચૂંટણી અત્યંત મોટી પરીક્ષા સમાન છે. દિવંગત બાળ ઠાકરેના પક્ષ અને ચિહ્નને મેળવવામાં સફળ થયેલા એકનાથ શિંદેએ બાળ ઠાકરેના ખરા વારસદાર હોવાનું લોકસભાની ચૂંટણીમાં સિદ્ધ કરવાનું છે. પોતાને મળેલી બેેઠકો પર સંપૂર્ણ વિજય મેળવીને તેમણે મહારાષ્ટ્રના લોકોની નજરમાં શિવસેનાના સાચા વારસદાર હોવાનું સિદ્ધ કરવાનું છે.
ઉદ્ધવ ઠાકરે જાણે છે કે 2024ની લોકસભા અને પછી તરત આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ ઉદ્ધવ માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે આ વખતે રાજ્યની બધી જ 48 બેઠકો પીંજી કાઢવાની યોજના બનાવી છે.
એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને લોકોના વિવિધ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે પ્રયાસો કરતા હોવાનું દેખાડી રહ્યા છે.
આપણ વાંચો: કોઈ ભલે ન જોતું હોય બાળ ઠાકરે અને આનંદ દીઘે જોઈ રહ્યા છે: શિંદેએ ઉદ્ધવ ઠાકરેને માર્યો ટોણો
મરાઠા અનામતના આંદોલનને જે રીતે તેમણે શાંત કર્યું છે તે રીતે અત્યારે મરાઠા સમાજ એકનાથ શિંદેની સાથે છે. નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સામે તેમની નારાજી જાહેર હોવા છતાં એકનાથ શિંદે તેમને શાંત રાખવામાં સફળ થયા છે. આ ઉપરાંત એસટી કર્મચારીઓનું આંદોલન પણ તેમણે બહુ સારી રીતે હેન્ડલ કર્યું હતું.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ કરતાં વધુ સાથ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને મળી રહ્યો છે અને તેને કારણે રાજ્યમાં અનેક નવા પ્રોજેક્ટ શરૂ કરાવવામાં તેમને સફળતા મળી છે. રાજ્યમાં ઝડપથી સંખ્યાબંધ પ્રોજેક્ટ અમલમાં મૂકીને તેમણે રાજ્યના વિકાસમાં ગતિ લાવી દીધી છે અને ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં વિકાસ યોજનાઓ ઠપ થઈ ગઈ હતી અને શિંદેના કાર્યકાળમાં યોજનાઓ બૂલેટ ટ્રેનની ઝડપથી થઈ રહી છે એવું દર્શાવી રહ્યા છે.
જોકે, એક સત્ય એ પણ છે કે દિવંગત બાળ ઠાકરેને માનનારો રાજ્યનો અને ખાસ કરીને મુંબઈ થાણેનો જે વર્ગ છે તે ઘણો લાગણીશીલ છે. આ વર્ગને પકડવા માટે ઉદ્ધવ ઠાકરે વિક્ટિમ કાર્ડ રમી રહ્યા છે. મારી પાસેથી મુખ્ય પ્રધાનની ખુરશી, પાર્ટી, ચિહ્ન બધું છીનવી લીધું એવું દેખાડીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ એકનાથ શિંદે બાળ ઠાકરેના હિન્દુત્વના મુદ્દાને વરેલા હોવાનો દાવો કરે છે. બાળ ઠાકરેને અપેક્ષિત રાજ્યનો વિકાસ કરી રહ્યા હોવાનો દાવો કરે છે. બાળ ઠાકરેનું નામ યોજનાઓને આપીને તેમના ખરા વારસદાર હોવાનું દર્શાવી રહ્યા છે. હવે જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળીને બાળ ઠાકરેના વારસદાર તરીકે કોના પર સ્વિકૃતિની મહોર લગાવે છે તે જોવાનું રહેશે.