એન્ટિવાયરસ રિન્યૂ કરવાને નામે અમેરિકનોને છેતરતા કૉલ સેન્ટરનો પર્દાફાશ: 13ની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કમ્પ્યુટરમાંનો એન્ટિવાયરસ સોફ્ટવેર રિન્યૂ કરવાને નામે અમેરિકન નાગરિકોને છેતરી કથિત રીતે ડૉલર્સ પડાવનારા કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચે 13 આરોપીની ધરપકડ કરી હતી.
મળેલી માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-12ના અધિકારીઓએ સોમવારની રાતે ગોરેગામ પૂર્વમાં જવાહર ફાટક નજીક વાલભાટ રોડ પર આવેલા વિહાન કમર્શિયલ કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરી હતી. કોમ્પ્લેક્સના સાતમા માળે આવેલી ઑફિસમાં ગેરકાયદે કૉલ સેન્ટર ચલાવવામાં આવતું હતું.
કૉલ સેન્ટરના કર્મચારીઓ અમેરિકન નાગરિકોને તેમના કમ્પ્યુટરમાંના એન્ટિવાયરસ સોફ્ટવેર રિન્યૂ કરી આપવા સંદર્ભેના મેઈલ મોકલાવતા હતા. મેઈલ સાથે એક ટોલ-ફ્રી નંબર પણ પાઠવતા હતા. એ નંબર પર અમેરિકન નાગરિક કૉલ કરે તો રિન્યૂ કરવા માટે 250થી 500 ડૉલરના ગિફ્ટ કાર્ડ ખરીદવાનું કહેવામાં આવતું હતું. અમેરિકન નાગરિકો દ્વારા ચૂકવાયેલા ડૉલર્સને ક્રિપ્ટોકરન્સીમાં ક્ધવર્ટ કરવામાં આવતા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં આ બોગસ કૉલ સેન્ટર બે વર્ષથી ચલાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. કૉલ સેન્ટરના બે માલિક, એક મૅનેજર અને 10 કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
રાતભર ચાલેલી કાર્યવાહી બાદ ક્રાઈમ બ્રાન્ચે કૉલ સેન્ટરમાંથી 15 કમ્પ્યુટર, 10 લૅપટોપ અને 20 મોબાઈલ ફોન સહિત અન્ય સાધનો જપ્ત કર્યાં હતાં. આ પ્રકરણે વનરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…તહેવારોમાં ગ્રાહકોને છેતરતા દુકાનદારો સાવધાન! 126 દુકાન સામે પગલાં, લાખોનો દંડ!