આ નેતાએ પુત્રના બર્થ-ડેમાં તલવારથી કેક કાપી: ગુનો દાખલ થશે?

મુંબઈ: જન્મદિન નિમિત્તે તલવારથી કેક કાપવી હવે એક ગુનો છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના એક વિધાનસભ્યએ પોતાના પુત્રના જન્મદિન નિમિત્તે યોજેલા કાર્યક્રમમાં મહેમાનોની વચ્ચે મોટી તલવારથી કેક કાપી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
બુલઢાણાના શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડના પુત્ર મૃત્યુંજય ગાયકવાડની ૧૫મી ઑગસ્ટે જન્મદિનની ઉજવણી કરવામાં આવી. ગુરુવારે રાત્રે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભ્ય સંજય ગાયકવાડે સ્ટેજ પર તલવારથી કેક આપી અને તલવારથી જ પુ૬ અને પત્ની સુવિધાને કેક ખવડાવી પણ હતી. આ અંગેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કોઇ પણ વ્યક્તિ તલવારથી કેક કાપે તો તેની સામે આર્મ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે. હવે શિંદે જૂથના વિધાનસભ્યએ આ ગુનો કર્યો હોવાથી તેની સામે કાર્યવાહી થશે કે નહીં એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : AAP નેતાએ કર્યો ઉદ્ધવ, અજિત પવારની આવક પર સવાલ
આ દરમિયાન સંજય ગાયકવાડે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે તલવારથી કેક આપવી એ કંઇ ગુનો નથી. તલવારથી કેક કાપતી વખતે કોઇને ઇજા પહોંચાડવાનો હેતુ હોતો નથી. આ પરથી ગુનો દાખલ કરવો એ યોગ્ય નથી. તલવારનો ઉપયોગ કરવો એ મર્દાન્ગીનું પ્રતીક છે. પોલીસ પરેડ દરમિયાન પણ પોલીસ તલવાર દેખાડે છે ત્યારે તે કોઇને ધમકાવે છે કે? ઑલિમ્પિકમાં તલવારબાજીની સ્પર્ધા પણ બંધ કરવામાં આવશે કે?, એવા સવાલ પણ તેમણે ઉઠાવ્યા હતા.
અમારા પૂર્વજો તલવાર વાપરતા હતા તેથી અમે તલવાર વાપરીશું જ. ખોટી રીતે તેનો ઉપયોગ ન થતો હોય તો તે ગુનો નથી. એવું થયું તો પોલીસ પર પણ ગુનો દાખલ થઇ શકે. આ પ્રકારે ગુનો દાખલ થતો હશે તો હાઇ કોર્ટમાં ૪૮૨ અનુસાર ગુનો રદ થઇ શકે છે, એમ ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું.