રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં કેબિનેટ વિસ્તરણ?
પ્રધાનમંડળમાં ખાલી પડેલી 15 બેઠકો ત્રણ મહિના માટે ભરવાનું શું ઔચિત્ય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અચાનક દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત થઈ હોવાનું સામે આવતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે, જેમાં પ્રધાનમંડળના વિસ્તરણની અટકળોએ પણ જોર પકડ્યું છે. જોકે, રાજ્ય વિધાનસભાની ચૂંટણીને માંડ બે-ત્રણ મહિનાનો સમય બાકી છે ત્યારે પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાનો શો ફાયદો થશે એવો સવાલ પણ રાજકીય નિરીક્ષકો પૂછી રહ્યા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માટે રવિવારે મોડી રાત્રે દિલ્હીના અણધાર્યા પ્રવાસે ગયા હતા. રાજ્ય કેબિનેટના આગામી વિસ્તરણની સાથે સાથે રાજ્ય સરકાર વિવિધ વૈધાનિક મંડળો અને મહામંડળોમાં નિમણૂકોને પણ અંતિમ સ્વરૂપ આપી શકે છે એવી પણ અટકળો વ્યક્ત થઈ રહી છે.
હાલમાં લગભગ 15 પ્રધાનપદની જગ્યાઓ ખાલી છે જે ઓક્ટોબરમાં સરકારની મુદત પૂરી થાય તે પહેલાં ત્રણ શાસક પક્ષોના ઉમેદવારોથી ભરવાનું મુખ્ય પ્રધાનનું લક્ષ્ય છે. ખાસ કરીને શિવસેનાના ઉમેદવારો પાર્ટી નેતૃત્વ પર સત્તાના પદ માટે ભારે દબાણ લાવી રહ્યા હોવાનું કહેવાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લા પરિષદોમાં ચૂંટાયેલા સભ્યોની અછતને કારણે પક્ષના કાર્યકરોમાં અશાંતિ અને પ્રેરણાનો અભાવ છે. તાત્કાલિક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ શક્ય ન હોવાથી કેબિનેટના હોદ્દા ભરીને પક્ષના આધારને મજબૂત કરવાના માર્ગ તરીકે જોવામાં આવે છે. જોકે, મર્યાદિત સમયગાળામાં આ પદો મેળવીને શું સાધ્ય કરી શકાશે એવો સવાલ રાજકીય નિરીક્ષકો કરી રહ્યા છે. વાસ્તવમાં ચાલુ વર્ષના પ્રારંભે જો કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હોત તો નવા નિયુક્ત થનારા પ્રધાનો પોતપોતાના મતવિસ્તારમાં કામ કરી શક્યા હોત અને તેનાથી ચૂંટણીમાં ફાયદો મળવાની શક્યતા હતી.
આ પણ વાંચો : UP 10 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં તીવ્ર હરિફાઇ થવાની સંભાવના
વર્તમાન કેબિનેટમાં શિંદે કેમ્પ અને ભાજપના 10-10 સભ્યો અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નવ સભ્યોનો સમાવેશ થાય છે. લોકસભામાં ચૂંટાયેલા શિંદે કેમ્પના સભ્ય સાંદીપન ભુમરેના રાજીનામા બાદ તેમની સંખ્યા ઘટીને આઠ થઈ ગઈ છે. આગામી વિસ્તરણમાં દરેક પક્ષને 3-5 બર્થ મળવાની ધારણા છે જેમાં 15માંથી 10 નવા રાજ્ય મંત્રી બનવાની ધારણા છે.
જો કે, અજિત પવાર જૂથના એનસીપીના એક સિનિયર નેતાએ સમય અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આગામી બે દિવસમાં વિસ્તરણ ન થાય તો તે બિલકુલ નહીં થાય. મુખ્ય પ્રધાનને તેમના બે સાથી પક્ષોને તેમને ફાળવવામાં આવેલી બર્થની સંખ્યા સ્વીકારવા માટે મનાવવાના નોંધપાત્ર પડકારનો સામનો કરવો પડે છે. આ પછી સંબંધિત પક્ષના નેતાઓને તેમની રેન્કમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનું મુશ્કેલ કાર્ય હશે.