સિમેન્ટ મિક્સર ટ્રકની ટક્કર બાદ કૅબમાં આગ લાગતાં ડ્રાઇવરનું મૃત્યુ…
મુંબઈ: દહિસર નાકા નજીક સિમેન્ટ મિક્સર ટ્રકને ટક્કર માર્યા બાદ કૅબમાં આગ લાગતાં ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું. કસ્તુરબા માર્ગ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દહિસર નાકા નજીક ગુરુવારે મળસકે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા કૅબ ડ્રાઇવરની ઓળખ મસૂદ આલમ શેખ તરીકે થઇ હતી.
કૅબ ડ્રાઇવર મળસકે પ્રવાસીને લઇ કાંદિવલી તરફ જઇ રહ્યો હતો, જ્યારે સિમેન્ટ મિક્સર ટ્રક દહિસરથી કાંદિવલી જઇ રહી હતી. પૂરપાટ વેગે જઇ રહેલી ટ્રકનું ટાયર ફાટતાં તે ડિવાઇડર સાથે ટકરાઇ હતી, જેને કારણે ડ્રાઇવરે સ્યિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે ડિવાઇડર કુદાવીને કૅબ સાથે ભટકાઇ હતી.
ટ્રકની ટક્કર બાદ કૅબમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી અને કૅપ આગની લપેટમાં આવી ગઇ હતી. આગ લાગતાં પ્રવાસી તાત્કાલિક કૅબમાંથી બહાર આવી ગયો હતો, જ્યારે ડ્રાઇવર સ્ટિયરિંગ અને તેની સીટ વચ્ચે ફસાઇ ગયો હતો અને બહાર નીકળી શક્યો નહોતો.
દરમિયાન અકસ્માતની જાણ થતાં કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તેમણે ડ્રાઇવરને બહાર ખેંચી કાઢ્યો હતો. આગમાં ડ્રાઇવર દાઝી ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. કૅબ ડ્રાઇવર મરોલનો રહેવાસી હતો. (પીટીઆઇ)