પ્રદૂષણ પર લગામ તણાશે પછી જ ભાયખલામાં ક્ધસ્ટ્રકશન કામ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે બહાર પાડેલી ગાઈડલાઈનને અમલમાં લાવીને જ ડેવલપરોને કામ કરવું પડશે અને જ્યાં સુધી વાયુ પ્રદૂષણ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવતું નથી ત્યાં સુધી ‘ઈ ’ વોર્ડ ભાયખલામાં તમામ પ્રકારનાં બાંધકામ પર પ્રતિબંધ રહેશે એવી ચોખ્ખા શબ્દોમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ સ્પષ્ટતા કરી છે. એ સાથે જ બુધવારે તેમણે મુંબઈ સેન્ટ્રલમાં ચાલી રહેલા મેટ્રોના કામની સમીક્ષા કરીને વારંવારની સૂચના આપ્યા બાદ પણ નિયમોનું પાલન નહીં કરનારા પ્રોજેક્ટ સામે આકરાં પગલાં લેવાની સૂચના પણ આપી હતી. આ દરમિયાન સમગ્ર શહેરમાં ખાનગી અને સાર્વજનિક ક્ધસ્ટ્રકશન સાઈટ પર અત્યાર સુધી કુલ ૪૪૩ સ્પોટ વર્કની નોટિસ ફટકારવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈના જે વિસ્તારમાં હવાની ગુણવત્તા કથળી છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ઊંચો નોંધાઈ રહ્યો છે તેવા વિસ્તારમાં બાંધકામ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવાનો આદેશ પાલિકા કમિશનરે મંગળવારે આપ્યો હતો, જેમાં ભાયખલા અને બોરીવલી (પૂર્વ)માં બુધવારથી તમામ પ્રકારનાં બાંધકામ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કામ બંધ કર્યા બાદ પરિસ્થિતિ કેવી છે તેનો અહેવાલ લેવા માટે બુધવારે કમિશનરે આ વિસ્તારની મુલાકાત લીધી હતી.
બુધવારે મુખ્યત્વે કમિશનરે ભાયખલામાં સાત રસ્તા પરિસરમાં બે ખાનગી બિલ્ડિંગના ક્ધસ્ટ્રકશન સાઈટની મુલાકાત લીધી હતી. મુંબઈ સેન્ટ્રલમાં ચાલી રહેલા મેટ્રો-૩ પ્રોજેક્ટના કામને ઠેકાણે તેમ જ મઝગાંવમાં જોસેફ બાપ્ટિસ્ટા ઉદ્યાન નજીકના ડોંગરબાબા ખાતે સ્લમ રીહેબિલિટેશનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યાં મુલાકાત લીધી હતી.
ઈન્સ્પેકશન દરમિયાન કમિશનરે તમામ સાઈટ પર ગયા વર્ષે ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪માં ૨૮ મુદ્દા સાથેની બહાર પાડેલી ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવાનો આદેશ આપ્યો હતો. તેમ જ તમામ ક્ધસ્ટ્રકશન સાઈટ પર એર પોલ્યુશન મોનટરિંગ અને કંટ્રોલ સિસ્ટમ ફરજિયાત બેસાડવા પર ભાર આપ્યો હતો. જયાં સુધી આ સિસ્ટમ ચાલુ કરવામાં આવે નહીં ત્યાં સુધી પ્રોજેક્ટ પર બાંધકામ ચાલુ કરવાની મંજૂરી આપવા માં આવશે નહીં એવી ચેતવણી પણ તેમણે આપી હતી.
Also read: ધૂળ છે મુંબઈના ઝેરી પ્રદૂષણનો વિલન નં. વન…
થાણેમાં ૩૯ બાંધકામને શો કોઝ નોટિસ
મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે ત્યારે બીએમસી બાદ હવે થાણે પાલિકાએ પણ વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર વધારનારા અને સરકારે બહાર પાડેલી ૨૭ ગાઈડલાઈનનું અમલ નહીં કરનારા ડેવલપરો સામે આકરાં પગલાં લેવાનું ચાલુ કર્યું છે, જેમાં થાણે પાલિકાના અધિકારીઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ઇન્સ્પેકશન દરન્યાન ૨૯૭ ક્ધસ્ટ્રકશન સાઈટને નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તેમાંથી ફક્ત ૩૧ લોકોએ તમામ નિયમોનું પાલન કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું. તો ૧૫૧ સાઈટ પર અમુક ત્રૂટી જણાઈ આવતા ચાર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો ૩૯ ક્ધસ્ટ્રશન સાઈટને નિયમોનું પાલન નહીં બદ્લ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને ત્યારબાદ પણ નિયમોનું પાલન નહીં કર્યું તો સ્ટોપ વર્કની નોટિસ આપી કામ બંધ કરવાનો આદેશ આપવાનો આદેશ થાણે પાલિકા કમિશનરે આપ્યો છે. તેમ જ થાણે શહેરમાં હાલ ચાલી રહેલા મેટ્રો તથા એમએસઆરડીએસીએને પણ નિયમોનું પાલન કરીને ધૂળ ઊડે નહીં તે મુજબ કામ કરવાનો આદેશ થાણે પાલિકાએ આપ્યો છે. અત્યાર સુધી થાણે પાલિકા પાસે આવેલી જુદી જુદી ફરિયાદ બાદ પર્યાવરણ વિભાગે ૧,૭૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.