આમચી મુંબઈટોપ ન્યૂઝ

ઘાટકોપરમાં મુસ્લિમ ફેરિયાઓની દાદાગીરી: નજીવા કારણસર ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ

સ્થાનિકોમાં આક્રોશ: નેતાઓએ પોલીસ-સુધરાઇ સાથે આ મુદ્દે કાર્યવાહી કરવાની માગણી કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ઘાટકોપર વિસ્તારમાં દુકાનમાં આવેલા ગ્રાહક પર કાગળ ફેંકવાને મુદ્દે બોલાચાલી થયા બાદ બે ફેરિયા સહિત ચાર જણે 29 વર્ષના ગુજરાતી વેપારીની બેરહેમીથી મારપીટ કરી હોવાની ઘટના બની હતી, જેને પગલે અન્ય વેપારીઓમાં રોષ ફેલાયો હતો. આરોપીઓએ વેપારીના પિતા સાથે પણ ધક્કામુક્કી કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનામાં ઘાયલ થયેલા વેપારીએ નોંધાવેલી ફરિયાદને આધારે ઘાટકોપર પોલીસે ચાર આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. સ્થાનિકોમાં આ મામલે ભારે આક્રોશ ફેલાતાં આ ઘટનાની ગંભીર નોંધ લઇ ઘાટકોપરના નેતાઓએ આ સંબંધે પોલીસ તથા સુધરાઇના અધિકારીઓ સાથે વાત કરી હતી અને નાગરિકો પર દાદાગીરી કરનારા ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

આપણ વાંચો: અમદાવાદના આંબાવાડીમાં જાહેરમાં યુવકની કરી મારપીટ, કાયદો અને વ્યવસ્થા સામે સવાલ…

ઘાટકોપર પશ્ર્ચિમમાં ન્યૂ માણેકલાલ એસ્ટેટ ખાતે સુવિધા એપાર્ટમેન્ટમાં રહેતા અને પિતા ભરતભાઇ ધ્રુવ સાથે એમ.જી. રોડ પર ચિરાગ ચિલ્ડ્રન વૅર નામની કપડાંની દુકાન ચલાવતા હર્ષ ધ્રુવે (29) ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે ફેરિયા અબ્દુલ કાદિર ખાન અને રાશિદ શેખ સહિત ફહીમ ખાન તથા ઝુબેર ખાન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અવિનાશ કલદાતેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અમે આ પ્રકરણે ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આવા કેસમાં આરોપીને સાત વર્ષથી ઓછી શિક્ષા આપવાની કાયદામાં જોગવાઇ હોવાથી અમે તેમની ધરપકડ કરી નથી. આરોપીઓને અમે નોટિસ આપીશું અને કોર્ટમાં હાજર કરી તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરીશું.

અમે બાદમાં તેમની સામે ચેપ્ટર કેસ પણ દાખલ કરવાના છીએ. આ કેસમાં અમારી પાસે બે સાક્ષીદાર છે. આ ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવા અમે પાલિકાને પત્ર પણ લખ્યો છે અને કાર્યવાહી વખતે તેમને પોલીસ બંદોબસ્ત આપવા અમે તૈયાર છીએ.

આપણ વાંચો: શાળામાં પાંચમા ધોરણની વિદ્યાર્થિનીની મારપીટ: શિક્ષિકા સામે ગુનો

પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે 23 માર્ચે સાંજે હર્ષ ધુ્રવ, તેના પિતા, કર્મચારી તેમ જ અન્ય બે જણ દુકાનમાં હાજર હતા ત્યારે ગ્રાહક અંદર આવ્યો હતો. એ સમયે બહાર રસ્તા પર કપડાં વેચનાર ફેરિયા અબ્દુલ કાદિર ખાને દુકાનમાં ઊભેલા ગ્રાહક પર કાગળ ફેંક્યું હતું.

આથી હર્ષના પિતા ભરતભાઇએ કાદિરને કાગળ ગ્રાહક પર શા માટે ફેંક્યું એવું પૂછતાં કાદિરે તેમને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. ભરતભાઇએ ત્યાર બાદ કાદિરના ઓળખીતા રાશિદ શેખને બોલાવ્યો હતો અને કાદિરને સમજાવવા માટે કહ્યું હતું.

જોકે ભરતભાઇની વાત માનવાને બદલે રાશિદ શેખ પણ તેમને ગાળો ભાંડવા લાગ્યો હતો. રાશિદે ત્યાર બાદ હર્ષની મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે નજીકમાં પડેલી લાકડી ઊંચકીને હર્ષ ધ્રુવની બેરહેમીથી મારપીટ કરી હતી. દરમિયાન રાશિદને ત્યાં કામ કરનારા ફહીમ ખાન અને ઝુબેર ખાન પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેઓ પણ હર્ષને મારવા લાગ્યા હતા.

મણે બાદમાં ભરતભાઇ સાથે ધક્કામુક્કી કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, એવો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં ઘવાયેલા હર્ષને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને બાદમાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કોણે શું કહ્યું

મેં પોલીસ તથા પાલિકાના અધિકારીઓને ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવા માટે કહ્યું છે. અધિકારીઓએ કાર્યવાહી કરવાની બાંયધરી પણ આપી છે. ઘાટકોપર પશ્ર્ચિમના એમ. જી. રોડ પર બાંગ્લાદેશીઓ સહિત ગેરકાયદે ફેરિયાઓ આવીને બેસે છે અને સ્થાનિક નાગરિકો પર દાદાગીરી કરે છે, જે હવે ચલાવી લેવામાં નહીં આવે. લાઇસન્સ વિનાના ફેરિયાઓને હવે ત્યાંથી હટાવવામાં આવશે.

કિરીટ સોમૈયા, ભાજપના નેતા

ફેરિયાઓની આ દાદાગીરી-ગુંડાગીરી દિવસે દિવસે વધતી જાય છે. આવા લોકો પર ઉપકાર કરવા જેવો નથી. તેમને વારંવાર હટાવવામાં આવતા હોવા છતાં પાલિકા સાથે મિલીભગતને કારણે તેઓ ફરી ત્યાં આવી જાય છે. માત્ર દુકાનદારો નહીં પણ ઘાટકોપરની જનતાનો સહકાર હશે તો જ આ ન્યુસન્સનો અંત આવશે.

પરાગ શાહ, ઘાટકોપરના વિધાનસભ્ય

બનાવની જાણ થયા બાદ હું, કિરીટભાઇ તથા અન્ય કાર્યકર્તાઓ ઘટનાસ્થળે ગયાં હતાં. અમે અગાઉ પણ ફેરિયાઓ સામે પાલિકામાં અનેક ફરિયાદો કરી છે, પણ એક-બે દિવસની કાર્યવાહી પછી જેમનું તેમ હોય છે.

બિંદુ ત્રિવેદી, ભૂતપૂર્વ નગરસેવિકા

અમને જ્યારે પણ ફેરિયાઓ વિરુદ્ધ ફરિયાદ મળે છે ત્યારે અમે કાર્યવાહી કરીએ છીએ. પ્રશાસનનું કામ છે કાર્યવાહી કરવાનું. ફેરિયાઓને હટાવવાની કાર્યવાહીનાં પરિણામ થોડો સમય જોવા મળે છે અને ફેરિયાઓ ફરી આવીને બેસી જાય છે, એવું લોકોનું કહેવું છે. જોકે ફરિયાદ મળે ત્યારે કાર્યવાહી કરાય જ છે.

  • ગજાનન બેલાલે (એન વોર્ડના ઓફિસર)

ફેરિયાઓની દાદાગીરી દિવસે દિવસે વધતી જાય છે. અમે વર્ષોથી તેમની સામે લડત ચલાવી રહ્યા છીએ. જોકે પોલીસ અને પાલિકા સાથે સાઠગાંઠ હોવાથી આનું કોઇ નિવારણ આવી શક્યું નથી. આવા લોકો ઘણી વાર મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતા હોવાની ફરિયાદ પણ આવતી હોય છે, પણ આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યાં જે બિલ્ડિંગો છે તેની અંદર ફેરિયાઓ પોતાનો સામાન રાખતા હોય છે. અમે પોલીસ અને પાલિકા સમક્ષ અનેક ફરિયાદ કરી છે, પણ તેનો કોઇ અર્થ નથી. તેઓ એકાદ-બે દિવસ ફેરિયાઓને હટાવે છે, પણ બાદમાં જેવું હતું તેવું જ.

  • દીપક છેડા (ઘાટકોપર વેપારી એસોસિયેશનના સેક્રેટરી)

ફેરિયાઓની ગુંડાગીરી સામે વેપારીઓની એકતા નથી, માત્ર તમાશો જુએ છે

ઘાટકોપરમાં ગુજરાતી વેપારીની મુસ્લિમ ફેરિયાઓએ કરેલી મારપીટની ઘટના ક્યારેક નાગપુરમાં થયેલા તોફાનોનું રૂપ ન ધારણ કરી લે તો જ નવાઇ, એવું મોટા ભાગના ઘાટકોપરવાસીઓનું કહેવું છે. ફેરિયાઓમાં મોટા ભાગના મુસ્લિમ હોવાથી તેઓ ભેગા મળીને દાદાગીરી કરતા હોય છે, જ્યારે વેપારીઓમાં મોટા ભાગના ગુજરાતી હોવા છતાં તેમનામાં એકતા નથી.

ગુજરાતી વેપારી હર્ષ ધ્રુવની ફેરિયાઓ મારપીટ કરી રહ્યા હતા ત્યારે વેપારીઓ તમાશો જોતા રહ્યા. કોઇએ તેને બચાવવાની પહેલ કરી નહોતી. જોકે બીજી તરફ ફેરિયાઓમાં જબરી એકતા જોવા મળે છે અને તેઓ તરત જ મારપીટ કરવા ભેગા થઇ જાય છે.

આને કારણે બિનજરૂરી ન્યુસન્સ આખા વિસ્તારમાં વધી રહ્યો છે. આ ઉપરાંત સ્થાનિકોએ એવી પણ ફરિયાદ કરી હતી કે મિલન શોપિંગ સેન્ટર નજીક દર શુક્રવારે મુસ્લિમ સમુદાયના અન્ય સભ્યો સાથે આ ફેરિયાઓ પણ રસ્તો રોકીને નમાજ પઢતા હોય છે, પણ એની સામે કોઇ કશું કાંઇ બોલતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button