બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ ગુજરાતમાં દમણ ગંગા નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ

મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપ ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવાની જાહેરાત નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ કરી હતી.
ગુજરાતમાં આયોજિત કુલ ૨૧ બ્રિજમાંથી પ્રોજેક્ટ માટે પૂર્ણ થનાર આ ૧૬મો નદી બ્રિજ છે. દમણ ગંગા નદી પરના બ્રિજનું કામ પૂર્ણ થયા પછી, મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે વલસાડ જિલ્લામાં પાંચેય નદી પરના બ્રિજનું કામ પૂર્ણ થયું છે. સમગ્ર કોરિડોરમાં ૨૫ નદી પર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.
આપણ વાંચો: મુંબઈમાં બુલેટ ટ્રેનના સ્ટેશન માટે આવી નવી અપડેટ, જાણો કોને થશે ફાયદો?
બુલેટ ટ્રેન કોરિડોર, વલસાડ જિલ્લામાં આશરે ૫૬ કિમી માં (કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં ૪.૩ કિમી સહિત) ઝરોલી ગામથી વાઘલદરા ગામ સુધી ફેલાયેલો છે.
આ વિભાગમાં વાપી બુલેટ ટ્રેન સ્ટેશન, ૩૫૦ મીટરની ટનલ, પાંચ નદી બ્રિજ અને એક પીએસસી બ્રિજનો સમાવેશ થાય છે. એનએચએસઆરસીએલએ એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે દમણ ગંગા નદી પર નવો પૂર્ણ થયેલો બ્રિજ ૩૬૦ મીટર લાંબો છે, જેમાં નવ ફુલ-સ્પાન ગર્ડર છે.
આ પુલ આગામી બોઇસર અને વાપી બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે આવેલો છે. વલસાડમાં પૂર્ણ થયેલા અન્ય નદી પરના બ્રિજમાં ઔરંગા (૩૨૦ મીટર), પાર (૩૨૦ મીટર), કોલક (૧૬૦ મીટર) અને દરોથા (૮૦ મીટર)નો સમાવેશ થાય છે.