હવે ઘર ટ્રાન્સફર કર્યા બાદ પાંચ વર્ષ સુધી બિલ્ડર રહેશે જવાબદાર: કોઇ પણ ખામી 30 દિવસમાં દૂર કરવી રહેશે ફરજિયાત

મુંબઇ: ઘર ટ્રાન્સફર કર્યા બાદ પાંચ વર્ષ સુધી ફરિયાદોનું નિરાકરણ લાવવાની જવાબદારી બિલ્ડરની રહેશે. જોકે આવી જરુર ઊભી ન થાય તે માટે દરેક કંન્સ્ટ્રક્શનની તબક્કાવાર તપાસ કરવાની સાથે અંતિમ તબક્કામાં 3 રીતે નિરિક્ષણ કરવા માટે તૃતિય તંત્ર રચના વ્યવસ્થા કરવામાં આવી છે. શરુઆતમાં આ સિસ્ટમ માર્ગદર્શક હોય તો પણ મહારેરા તમામ પ્રોજેક્ટને આ સિસ્ટમ ફરજીયાત કરશે. જેનો ફાયદો ઘર ખરીદનારને થશે એમ મહારેરાના અધ્યક્ષ અજોય મેહતાએ જણાવ્યું હતું.
ઘરનો કબજો મેળવ્યા બાદ પાંચ વર્ષ સુધી ઘરમાં જે કંઇ પણ ખામી હોય તે બિલ્ડરે પોતાના ખર્ચે 30 દિવસમાં રિપેર કરીને આપવી પડશે. આ નિયમને કારણે ગ્રાહકોનું હિત જળવાઇ રહે છે. જોકે આવો સમય જ ન આવે એવો મહારેરાનો પ્રયાસ છે. તેથી જ કંન્સ્ટ્રક્શનની કાર્યપદ્ધતી નક્કી કરવાનું કામ ચાલી રહ્યું છે. ઘરની ગુણવત્તા ચકાસવા એજન્સીની નિમણૂંક કરવામાં આવનાર છે. આ સિસ્ટમને કારણે કંન્સ્ટ્રક્શનની ગુણવત્તા ચકાસવામાં સરળતા રહેશે.
બાંધકમામાં રહેલી ખામીઓ દૂર કરવાનો સમય જ ન આવે તે માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રના બાંધકામો બાબતનો ગુણવત્તા આશ્વાસન અહેવાલ અંગેની યોજના વિકસીત કરવા માટે પરામર્શ પેપર મહારેરાએ જાહેર કર્યો છે. આ અંગે કોઇ પણ સૂચનો હશે તો સામાન્ય લોકો 31મી ડિસેમ્બર સુધી suggestions.maharera@gmai.com આ ઇમેઇલ પર પોતાના સૂચનો મકલવાની અપીલ મહારેરાએ કરી છે.