એમવીએમાં ભંગાણ: વંચિત બહુજન આઘાડીએ છેડો ફાડ્યો, 9 ઉમેદવાર જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપને હંફાવવા માટે મહાવિકાસ આઘાડીએ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીને પોતાની સાથે લેવાની જાહેરાત કરી હતી અને બેઠકોની વહેંચણીના મુદ્દે અનેક વખત થયેલા વિવાદ બાદ પણ પ્રકાશ આંબેડકરને યોગ્ય સન્માન મળતું ન હોવાનું જણાતાં તેમણે પોતાના નવ ઉમેદવારની યાદી જાહેર કરીને નારાજગી જાહેર કરી દીધી છે અને આમ મહાવિકાસ આઘાડીમાં પહેલું ભંગાણ પડ્યું છે.
આ પણ વાંચો: ઠાકરેની યાદીએ એમવીએમાં ઊભો કર્યો વિવાદઃ કોંગ્રેસી નેતાએ યાદ કરાવ્યો આઘાડી ધર્મ
પ્રકાશ આંબેડકરના નેતૃત્વ હેઠળની આઘાડી દ્વારા મહાવિકાસ આઘાડી સાથે જવા માટે રાજ્યમાં સાત બેઠકો માગવામાં આવી હતી અને તેની સામે કૉંગ્રેસ અને એનસીપી દ્વારા ફક્ત ચાર બેઠકો આપવાની તૈયારી દાખવવામાં આવી હતી. પ્રકાશ આંબેડકરની આઘાડીને મહાવિકાસ આઘાડીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ ઉદ્ધવ ઠાકરેનો હતો. તેમને એવું લાગતું હતું કે ભાજપને હંફાવવા માટે વંચિત મહાવિકાસ આઘાડીમાં સામેલ થાય તો વધુ સારું.
આ પણ વાંચો: એમવીએ સીટ શેરિંગ ફોર્મ્યુલાઃ મહારાષ્ટ્રમાં ‘મોટો ભાઈ’ કોણ?
વંચિત દ્વારા રામટેક, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર, ચંદ્રપુર, બુલઢાણા, આકોલા, અમરાવતી, વર્ધા અને યવતમાળ-વાશિમ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉમેદવારોમાં પ્રકાશ આંબેડકર પોતે આકોલાની બેઠક પરથી લડવાના છે. આ ઉપરાંત સંજય કેવટ, હિતેશ માડવી, રાજેશ બેલ્લે, વસંત મગર, પ્રાજક્તા પહેલવાન, પ્રો. રાજેન્દ્ર સાળુંકે, ખેમસિંહ પવારને ઉમેદવારી આપવામાં આવી છે. રામટેકની બેઠક પરથી હજી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો ન હોવા છતાં યાદીમાં તેનું નામ રાખીને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે અહીંથી પણ વંચિત આઘાડી લડશે. આ ઉમેદવારનું નામ ચોથી એપ્રિલે જાહેર કરવાનું એલાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તેમણે સાંગલીમાંથી ઠાકરે સેનાના ઉમેદવાર ચંદ્રહારને બદલે પ્રકાશ શેંડગેને ટેકો આપવાની અને નાગપુરમાં કૉંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરી છે.