વિરારમાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી હત્યાના આરોપસર પ્રેમીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરારમાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી કથિત હત્યા કરવા પ્રકરણે પોલીસે એ જ પરિસરમાં રહેતા પ્રેમીની ધરપકડ કરી હતી.
વિરાર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ શેખર કદમ તરીકે થઈ હતી. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસ ફરિયાદ અનુસાર ધનશ્રી આંબડસ્કર (32) પતિ અને બે સંતાન સાથે વિરાર પશ્ર્ચિમના ફૂલપાડા સ્થિત સાંઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. છેલ્લાં અમુક વર્ષથી એ જ પરિસરમાં પત્ની અને પુત્રી સાથે રહેતા કદમની ધનશ્રી સાથે મિત્રતા થઈ હતી.
આ પણ વાંચો: વસઈમાં પ્રેમિકાની ધોળે દિવસે હત્યાઃ નાયબ મુખ્ય પ્રધાને આપ્યો આ Order
સોમવારે સવારે ધનશ્રીનો પતિ રૂપેશ કામ પર ગયો હતો અને બન્ને સંતાન શાળામાં ગયાં હતાં. બપોરના સમયે કદમ મહિલાને મળવા તેના ઘરે આવ્યો હતો. કહેવાય છે કે કદમને મહિલાના ઘરેથી બહાર નીકળતો પડોશીએ જોયો હતો. તે સમયે ધનશ્રીને ચક્કર આવી રહ્યાં છે અને તેની તબિયત ખરાબ હોવાનું પડોશીને કહીને કદમ ત્યાંથી રવાના થઈ ગયો હતો.
પડોશીએ તાત્કાલિક રૂપેશને ફોન કરી તેની પત્નીની તબિયત ખરાબ હોવાનું કહ્યું હતું. પતિ ઘરે આવ્યો ત્યારે પત્ની બેભાન અવસ્થામાં મળી હતી. પત્નીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મહિલાના ગળા પર નિશાન હોવાથી આ અંગે પોલીસને જાણ કરાઈ હતી. ગળું દબાવી મહિલાની હત્યા કરાઈ હોવાનું પોલીસનું કહેવું છે.
આ પણ વાંચો: Renuka murder case: અભિનેતાના મેનેજર આત્મહત્યા કરી લીધી અને સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે
આ પ્રકરણે મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે સોમવારની રાતે કદમ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદ અનુસાર આરોપી અને પત્ની વચ્ચેના પ્રેમપ્રકરણની જાણ પતિને થઈ હતી. તેણે કદમને મળવાની તાકીદ પત્નીને કરી હતી. આ બાબતની જાણ થતાં આરોપીએ ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.