રસ્તા પરના ખાડામાં પડેલા યુવાનને ગંભીર ઇજા: કંસ્ટ્રકશન કંપનીના ચાર સામે ગુનો

મુંબઈ: બોરીવલીમાં રસ્તાના સમારકામ માટે ખોદવામાં આવેલા ખાડામાં પડી જવાથી યુવાનને ગંભીર ઇજા થતાં પોલીસે ક્ધસ્ટ્રક્શન કંપની સાથે સંકળાયેલા ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
કસ્તુરબા માર્ગ પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગયે મહિને બની હતી, જેમાં ઍપ આધારિત કૅબના ડ્રાઈવર પરમાનંદ મૌર્યએ બુધવારે ફરિયાદ નોંધાવી હતી. ગંભીર ઇજાની સારવાર પછી મૌર્ય ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને આવ્યો હતો.
ફરિયાદ અનુસાર બોરીવલી પૂર્વમાં કાર્ટર રોડ નંબર સાત પર કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો.
જોકે તે સ્થળે કોઈ પણ પ્રકારની ચેતવણીનું બોર્ડ, બેરિકેડ્સ અથવા ઈન્ડિકેટર્સ લગાવવામાં આવ્યાં નહોતાં, એવું મૌર્યએ કહ્યું હતું.
આપણ વાચો: મહારાષ્ટ્રના યવતમાલમાં પાણી ભરેલા ખાડામાં 4 બાળકોનું ડૂબી જવાથી મોત, જાણો શુ છે મામલો
ઘર બહાર નીકળીને મૌર્ય ચાલતો પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ખાડામાં પડી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા મૌર્યની ચાર પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું અને ગરદન પર પણ ઇજા થઈ હતી. સારવાર માટે છ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
એફઆઈઆરમાં કોન્ટ્રાક્ટ લેનારી કંપનીના સ્થાપક માનવ શાહ, ચૅરપર્સન પ્રદીપ પાંડે અને કોન્ટ્રાક્ટર યશ મહેતાનાં નામ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી શુક્રવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)



