‘પવિત્ર પોર્ટલ’ મારફત જ શિક્ષકોની ભરતી કરો: હાઈકોર્ટ

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે શિક્ષકોની ભરતી માટે સરકારના પવિત્ર પોર્ટલનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે અને રાજ્યને તમામ શાળાઓ અને કોલેજોમાં આ વ્યવસ્થા ઉપલબ્ધ થાય એ માટે તકેદારી રાખવા ક્ષતિરહિત એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ઘડવા નિર્દેશ આપ્યો છે.
ન્યાયમૂર્તિ રવિન્દ્ર ઘુગે અને ન્યાયમૂર્તિ અશ્વિન ભોબેની ખંડપીઠે 16 ઓક્ટોબરે આપેલા આદેશમાં કહ્યું હતું કે ‘હાલમાં મહારાષ્ટ્રમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ પોર્ટલ કાર્યરત નથી અથવા તેમને લોગ – ઈન આઈડી નથી આપવામાં આવ્યો એવા બહાના હેઠળ ભરતી કરી રહી છે. પવિત્ર પોર્ટલ ભરતી પ્રણાલીનું કડક પાલન શિસ્તબદ્ધ રીતે થવું જોઈએ.’ હાઈકોર્ટે આપેલા આદેશની નકલ બુધવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો : મુંબઈ હાઈકોર્ટે લવ મેરેજના કેસમાં આપ્યો મહત્વનો ચુકાદો, કહી આ મોટી વાત…
ખંડપીઠે રાજ્યના શિક્ષણ અને રમત ગમત વિભાગના મુખ્ય સચિવને તમામ શૈક્ષણિક સંસ્થાઓનું નિરીક્ષણ કરવા અને અહેવાલ રજૂ કરવા માટે ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવા નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ સરકાર દોષિત સંસ્થાઓ સામે કાર્યવાહી શરૂ કરી ક્ષતિઓ દૂર કરવાની કોશિશ કરશે. પવિત્ર પોર્ટલ તમામ સંસ્થાઓ માટે કાર્યરત છે અને તેમને લોગ – ઈન આઈડી મળે એની તકેદારી રાખવાની જવાબદારી સરકારની છે એવી સ્પષ્ટતા અદાલતે કરી હતી.
અદાલતે પવિત્ર પોર્ટલની ઉપલબ્ધતા અને તેના પર વધારાના શિક્ષકોના નામ સતત રજૂ કરવા અંગે સરકાર દ્વારા ક્ષતિરહિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ને ઔપચારિક બનાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે એસઓપી માર્ચ 2026 સુધીમાં તૈયાર કરવામાં આવશે.



