‘પહેલા ભારત આવો, પછી જ તમારી અરજી સાંભળીશું’ બોમ્બે હાઈકોર્ટે વિજય માલ્યાને ફટકાર લગાવી

મુંબઈ: ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે માલ્યા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચારણા કરવાની મનાઈ કરી હતી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી તેઓ ભારત પરત ન ફરે, ત્યાં સુધી તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ (FEO) કાયદાની જોગવાઈઓને પડકારતી અરજી પર સુનવણી કરવામાં આવશે નહીં.
નોંધનીય છે કે ભારતમાં ધરપકડથી બચાવ વિજય મળ્યા વિદેશ ભાગી ગયા હતાં, 2016થી તેઓ યુકેમાં રહે છે. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે માલ્યાએ પહેલા એ સ્પષ્ટ કરવું પડશે કે તેઓ ભારત પરત ફરવાના છે કે નહીં. જો તેઓ પાછા ન આવવાના હોય તો, કોર્ટ તેમની અરજી પર સુનાવણી નહીં કરે.
વિજય માલ્યાએ હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરી છે, પહેલી અરજીમાં તેમને FEO જાહેર કરવાના આદેશને પડકારવા આવ્યો છે, અને બીજી અરજીમાં FEO એક્ટ, 2018ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે.
આપણ વાચો: વિજય માલ્યાના બેંકોને નાણાં ચુકવણીના દાવા પાયાવિહોણા, સરકારે કહ્યું હજુ 7000 કરોડની વસૂલાત બાકી
કોર્ટે વધુ એક તક આપી:
બેન્ચે માલ્યાની અરજીની વધુ સુનાવણી 18 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે, ત્યાં સુધી કોર્ટે માલ્યાને કહ્યું ભારત પરત ફરવા અંગે પોતાનો મત સ્પષ્ટ કરવા કહ્યું છે.
નોંધનીય છે કે ડિસેમ્બર 2025માં કરવામાં આવેલી સુનાવણી દરમિયાન પણ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માલ્યા ભારત પરત ફરશે તો જ તે અરજી પર સુનાવણી કરવામાં આવશે અને તેમના વકીલને આ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
ગુરુવારે સુનાવણી દમિયાન હાઈ કોર્ટે માલ્યાને કહ્યું, “તમે કોર્ટની પ્રક્રિયાને ટાળી રહ્યા છો, તમે કાર્યવાહીનો લાભ ન લઇ શકો. અમે તમારી અરજીને ફગાવી રહ્યા નથી, પરંતુ તમને હજુ તક આપી રહ્યા છીએ.”
આપણ વાચો: કિંગફિશર એરલાઇન્સના પતન માટે પ્રણવ મુખર્જી જવાબદાર? વિજય માલ્યાએ લગાવ્યા ગંભીર આરોપ
માલ્યાના વકીલની દલીલ:.
માલ્યા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે અરજદારની શારીરિક રીતે હાજર ન રહે તો પણ તેમની અરજીઓ સાંભળી શકાય છે અને તેના પર નિર્ણય લઈ શકાય છે, અગાઉ પણ આવા ચુકાદાઓ આપવામાં આવ્યા છે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે કહ્યું, “તમે પહેલા પણ દલીલ કરી ચૂક્યા છો કે શારીરિક રીતે હાજર રહ્યા વગર તમે સુનાવણી માટે હકદાર છો. પરંતુ પહેલા એક સોગંદનામું દાખલ કરી સ્પષ્ટ કરો કે તમે ભારત ક્યારે આવવાના છો.”
સરકારની દલીલ:
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે માલ્યાએ FEO એક્ટની જોગવાઈઓને પડકારી છે, કારણ કે તેમને FEO જાહેર કરવા આવ્યા છે. તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે માલ્યાને ખ્યાલ આવી ગયો છે કે તેમનું ટૂંક સમયમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે, તેથી તેમણે આ અરજી દાખલ કરી છે.
નોંધનીય છે કે વિજય માલ્યા ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના ઘણા કેસોમાં આરોપી છે. જાન્યુઆરી 2019 માં એક સ્પેશિયલ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ માલ્યાને FEO જાહેર કર્યા હતાં.



