‘તમને ગરીબોની પરવા નથી!’ બોમ્બે હાઈકોર્ટે દૂષણ મુદ્દે BMC અને MPCBની ઝાટકણી કાઢી

મુંબઈ: દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદુષણનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાઈ રહ્યો છે, ત્યારે દેશની આર્થીક રાજધાની મુંબઈમાં પણ વાયુ પ્રદુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આજે મંગળવારે બોમ્બે હાઈકોર્ટે વાયુ પ્રદુષણ મુદ્દે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB)ની ઝાટકણી કાઢી હતી. હાઈ કોર્ટે કન્સ્ટ્રકશન સાઈટ્સને અન્ય સ્થળોએ વાયુ પ્રદૂષણ પર દેખરેખ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે કહ્યું કે અધિકારીઓ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. બેન્ચે BMC અને MPCBને શહેરમાં વધતા વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.
અધિકારીઓને ઠપકો:
બેન્ચે કહ્યું કે અમે કોઈ કન્સ્ટ્રકશન રોકવા કે વિકાસ કાર્યો બંધ થાય એવું નથી ઈચ્છતા, પરંતુ ઈચ્છીએ છીએ કે નિયમોનું પાલન થાય. અધિકારીઓ આ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયા છે. જો તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં લેવામાં આવે તો પરિસ્થિતિ કાબુની બહાર જતી રહેશે.
સુનાવણી દરમિયાન BMC કમિશનર ભૂષણ ગગરાણી અને MPCB સચિવ દેવેન્દ્ર સિંહ પણ કોર્ટમાં હાજર રહ્યા હતાં. કોર્ટે તેમને ઠપકો આપતા કહ્યું “કોઈ સૂચનો સાથે અહીં આવો, આ રીતે કામ નહીં ચાલે. અધિકારીઓ હોવા ઉપરાંત, તમે પણ નાગરિક પણ છો અને આ તમારી મૂળભૂત ફરજ છે.”
‘તમને ગરીબોની પરવા નથી’
કોર્ટે MPCB ને પૂછ્યું કે શું તેમણે કન્સ્ટ્રકશન સાઈટ્સ પર વર્કર્સના સ્વાસ્થ્ય અંગે કોઈ ગાઈડલાઈન્સ જાહેર કરી છે? તેમના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમો છે. તમને ગરીબોની પરવા નથી. કઈ નહીં તો તેમને એક માસ્ક આપો. આ સામાન્ય સમજ છે. સ્વાસ્થ્યનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે.
MPCB એ કહ્યું કે બુધવારે આ મુદ્દે સૂચનો રજૂ કરશે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં વિજય બાદ ભાજપનો હુંકારઃ ફડણવીસ જ ‘ધુરંધર’, ઉદ્ધવ ઠાકરે ‘રહેમાન ડાકુ’



