આમચી મુંબઈ

તપાસમાં બેદરકારી બદલ મહિલાને વળતર ચૂકવવાનો આદેશ હાઈ કોર્ટે રદ કર્યો

મુંબઈ: એક પોલીસ ઇન્સ્પેક્ટરે મહિલાના પુત્રના મૃત્યુની તપાસમાં યોગ્ય રીતે ફરજ અદા નહીં કરવા બદલ મહિલાને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પોલીસને નિર્દેશ આપતો મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચ (એમએસએચઆરસી)નો આદેશ બોમ્બે હાઈકોર્ટે રદ કર્યો છે. પોલીસકર્મીને પોતાનો કેસ રજૂ કરવાની તક નહોતી આપવામાં આવી એ બાબતની અદાલતે નોંધ લીધી હતી.

ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે 9 ઓગસ્ટના ચુકાદામાં કમિશનના આદેશને રદ ઠેરવ્યો હતો અને આ મામલાની નવેસરથી સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશની એક નકલ મંગળવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી.

અદાલતે નોંધ્યું હતું કે નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં તૈનાત અરજદાર આબાસાહેબ આનંદરાવ પાટીલની સામેનો આદેશ આપતા પહેલાં પંચે તેમની સુનાવણી નહોતી કરી.ખંડપીઠે જણાવ્યું હતું કે ‘અમને લાગે છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન નથી કરવામાં આવ્યું અને મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચે આક્ષેપોના પ્રકારને ધ્યાનમાં રાખીને અરજદારને નોટિસ ફટકારવી જોઈતી હતી.’ પાટીલ અને અન્ય લોકોની રજૂઆત સાંભળ્યા બાદ અદાલતે આ મામલો નવેસરથી વિચારણા માટે કમિશનને પાછો મોકલ્યો હતો.

પાટીલે પોતાની અરજીમાં પંચના જુલાઈ 2022 ના આદેશને પડકાર્યો હતો. આ આદેશમાં એક મહિલાને વળતર તરીકે 2 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ તેમને આપવામાં આવ્યો હતો. પોલીસે તેમના પુત્રના મૃત્યુની યોગ્ય તપાસ નથી કરી એવો આરોપ મહિલાએ કર્યો હતો.

2017માં સરિતા શેડગે નામની મહિલાએ કમિશન સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના પુત્રના મોત અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. મહિલાનો આરોપ હતો કે તેના પુત્રનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હોવા છતાં પોલીસે કેસની તપાસ કરી નહોતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button