કબૂતરખાના બંધ કરવાનો આદેશ આપ્યો જ નથી, લોકોનું આરોગ્ય મહત્ત્વપૂર્ણ: હાઈ કોર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે શહેરમાં ‘કબૂતરખાના’ (કબૂતર ચણ ખવડાવવાના સ્થળો) બંધ કરવાનો કોઈ આદેશ આપ્યો જ નથી, પરંતુ ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના કબૂતરખાના બંધ કરવાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.
નિષ્ણાતોની એક સમિતિ અભ્યાસ કરી શકે છે કે શહેરમાં જૂના કબૂતરખાના ચાલુ રાખવા જોઈએ કે નહીં, પરંતુ ‘માનવ જીવન સર્વોચ્ચ મહત્વનું છે,’ એમ કોર્ટે કહ્યું હતું.
‘જો કોઈ વાસ્તુ સિનિયર સિટિઝન્સ અને બાળકોના વ્યાપક આરોગ્યને અસર કરતી હોય, તો તેની તપાસ કરવી જોઈએ. સંતુલન રાખવું જોઈએ,’ એમ કોર્ટે કહ્યું હતું.
આ પણ વાંચો: કબૂતરો ખવડાવવા પર પ્રતિબંધ: જૈનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં દાદર કબૂતરખાના વિવાદનું કેન્દ્ર બન્યું
આ અઠવાડિયાના પ્રારંભે શહેરમાં કબૂતરખાનાઓને ઢાંકતી તાડપત્રી નાખવામાં આવી હતી, જેના કારણે વિરોધ પ્રદર્શનો થયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ત્યારે દાવો કર્યો હતો કે હાઈકોર્ટના આદેશને અનુસરીને કબૂતરખાના બંધ કરવામાં આવ્યા હતા.
જસ્ટિસ જી એસ કુલકર્ણી અને આરિફ ડોક્ટરની ખંડપીઠે ગુરુવારે એવી સ્પષ્ટતા કરી કે તેમણે આવો કોઈ આદેશ પસાર કર્યો નથી.
‘કબૂતરખાના બંધ કરવાના બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના નિર્ણયને અમારી સમક્ષ પડકારવામાં આવ્યો હતો. અમે કોઈ આદેશ આપ્યો નથી. અમે ફક્ત કોઈ વચગાળાની રાહત આપી નથી,’ એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુખ્ય પ્રધાનની ખાતરી છતાં દાદર કબૂતરખાનાનો વિવાદ વકર્યોઃ જૈનોની પોલીસ સાથે પણ ઝપાઝપી
ન્યાયાધીશોએ જોકે એ બાબતની પણ નોંધ કરી હતી કે માનવ સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વપૂર્ણ અને ચિંતાનો વિષય છે અને તે આ મુદ્દાનો અભ્યાસ કરવા અને સરકારને ભલામણો સુપરત કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની નિમણૂક કરવાનું વિચારશે.
‘અમે ફક્ત જાહેર આરોગ્યની ચિંતા કરીએ છીએ. આ એવી જાહેર જગ્યાઓ છે જ્યાં હજારો લોકો રહે છે…. ત્યાં સંતુલન હોવું જોઈએ. (કબૂતરોને) ચણ ખવડાવવા માગતા થોડા લોકો છે. હવે સરકારે નિર્ણય લેવાનો છે. આમાં કશું વિરોધાભાસી નથી,’ એમ બેન્ચે કહ્યું હતું.
સરકાર અને બીએમસીએ જાણકાર સમિતિ દ્વારા નિર્ણય લેવાનો હતો જેથી ખાતરી કરી શકાય કે ફક્ત થોડા રસ ધરાવતા વ્યક્તિઓના જ નહીં, દરેક નાગરિકના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય.
આ પણ વાંચો: દાદર કબૂતરખાના વિવાદ: BMCએ 142 લોકો પાસેથી ₹68,700નો દંડ વસૂલ્યો, વિરોધ છતાં ભીડ
‘બધા તબીબી અહેવાલો કબૂતરોથી થતા અફર નુકસાન તરફ નિર્દેશ કરે છે. માનવ જીવન ખૂબ જ મહત્વપૂર્ણ છે,’ એમ પણ હાઈકોર્ટે કહ્યું હતું.
કોર્ટ આ મુદ્દા પર નિર્ણય લેવા માટે નિષ્ણાત નથી અને તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ મામલાની વધુ સુનાવણી 13 ઓગસ્ટે મુલતવી રાખતા, હાઈકોર્ટે મહારાષ્ટ્રના એડવોકેટ જનરલને હાજર રહેવા કહ્યું, જેથી નિષ્ણાત સમિતિની રચના કરવાનો આદેશ પસાર કરી શકાય.
આ પણ વાંચો: કબૂતરખાના પર પ્રતિબંધને મુદ્દે સુધરાઈ કમિશનરને પત્ર
તેમાં કહેવામાં આવ્યું છે કે તબીબી સામગ્રીનો ભંડાર છે, જેની તપાસ કરવાની જરૂર છે અને કોર્ટ તેની તપાસ કરવા માટે નિષ્ણાત નથી, તેમણે ઉમેર્યું હતું કે નિષ્ણાત સમિતિ નક્કી કરી શકે છે કે બીએમસીનો નિર્ણય સાચો હતો કે નહીં.
‘તેથી અમારા મતે, રાજ્ય એક સમિતિની નિમણૂક કરવાનું વિચારી શકે છે કારણ કે તે જાહેર આરોગ્ય અને નાગરિકોના રક્ષક છે,’ એમ હાઈકોર્ટે ઉમેર્યું હતું.
જો સમિતિનો મત એવો આવે કે બીએમસીનો નિર્ણય સાચો હતો, તો પક્ષીઓ માટે યોગ્ય વિકલ્પ પર વિચાર કરી શકાય છે, એમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.