આમચી મુંબઈ

ન્યાયાધીશોની સુરક્ષા મામલે બોમ્બે હાઈકોર્ટ ગંભીર; મહારાષ્ટ્ર પોલીસ પાસે ‘સિક્યોરિટી ઓડિટ’ રિપોર્ટ માંગ્યો

મુંબઈ: કોર્ટ પરિસરોમાં ન્યાયિક અધિકારીઓ અને કોર્ટની પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોની સલામતી અંગે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી. એવામાં બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને આદેશ આપ્યો છે કે હાઈકોર્ટ અને રાજ્યની તમામ ટ્રાયલ કોર્ટના બિલ્ડિંગો અને ન્યાયધીશોના રહેણાંક પરિસર પર પૂરી પાડવામાં આવેલી સુરક્ષાની જો કોઈ પણ પ્રકારના ઓડિટ કરવામાં આવી હોય, તો તેની તમામ વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવે.

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે આ અઠવાડિયાની શરૂઆતમાં આ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં વ્યક્ય કરેલી ચિંતાને આધારે હાઈ કોર્ટે સુઓ મોટો લઇને આ આદેશ આપ્યો હતો.

ઝારખંડના ધનબાદમાં એક એડીશનલ સેશન્સ જજના મૃત્યુને પગલે સુપ્રીમ કોર્ટે 2021માં આ મુદ્દા પર સુઓ મોટો કાર્યવાહી હાથ ધરી હતી.

મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ ગત 10 ફેબ્રુઆરીએ હાઈકોર્ટને માહિતી આપી હતી કે, કોર્ટ પરિસરની સુરક્ષા અને ન્યાયાધીશોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે કોર્ટને પોતે માહિતી આપશે. કોર્ટે આ વાત સ્વીકારીને 17 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી રાખી છે, કોર્ટે સાથે સાથે સુરક્ષા અંગે કોઈ પણ પ્રકારનું ઓડિટ કરાયું હોય, તો તેની વિગતો આપવા પોલીસને પણ આદેશ આપ્યો છે.

હાઈ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, અમે ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ અને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશો જ્યાં રહે છે, તે ઇમારતોની સુરક્ષા ઓડિટની નકલ હોય તો તે રજૂ કરવા આદેશ આપીએ છીએ.

હાઈકોર્ટે ગોવા, ઔરંગાબાદ, નાગપુર અને કોલ્હાપુરની સર્કિટ બેન્ચ અને તમામ જિલ્લાઓની ટ્રાયલ કોર્ટની સુરક્ષા ઓડિટની વિગતો આપવા કહ્યું છે.

ધનબાદમાં ન્યાયાધીશની હત્યા બાદ દેશભરમાં ન્યાયિક અધિકારીઓ પર જોખમ વધી રહ્યું છે, જેની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, ન્યાયાધીશો અને વકીલો નિર્ભયતાથી કામ કરી શકે એ માટે એક સુરક્ષિત વાતાવરણ બનાવવાની રાજ્યની ફરજ છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે દેશભરમાં આ પ્રકારની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે, એ જોતાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વ્યાપક પરામર્શ જરૂરી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button