પિતાના અવસાન બાદ સગીર બાળકીની વાલી માતા જ: બોમ્બે હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો…
દાદા - દાદી સાથે રહેતી પુત્રી માતાને સોંપી

મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે દાદા – દાદી સાથે રહેતી પાંચ વર્ષની બાળકીનો કબજો તેની માતાને સોંપી નોંધ્યું છે કે પિતા પછી સગીર બાળકની વાલીનો હક માતાનો છે.
ન્યાયમૂર્તિ એસ જી ચપળગાવકરની ખંડપીઠે કહ્યું કે હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડીયનશીપ એક્ટ મુજબ સગીર બાળકના વાલીનો હક પહેલા પિતા અને પછી માતાનો હોય છે. એટલે કાયદાકીય રીતે કહીએ તો સગીર બાળકનો કબજો માતાને આપવો જોઈએ. સિવાય કે બાળકના ઉછેર સિવાય તેનો બીજો કોઈ હેતુ છે અથવા એ બાળકના ઉછેર માટે અસમર્થ છે એવું પુરવાર થાય તો અલગ વાત છે એમ હાઈ કોર્ટે જણાવ્યું છે.
જિલ્લા અદાલતના એપ્રિલ 2025ના આદેશ સામે 25 વર્ષની મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા અદાલતના આદેશમાં પાંચ વર્ષના બાળકના કબજાની માંગ કરતી મહિલાની અરજી નકારી કાઢવામાં આવી હતી.
મહિલાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે આપસી સમંતિથી છૂટાછેડા થયા ત્યારે તેણે તેની એક વર્ષની પુત્રીને તેના પતિ અને પતિના માતા પિતા પાસે રાખવા માટે સંમતિ આપી હતી. જો કે, બાળકના પિતાનું આ વર્ષે જાન્યુઆરીમાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ દાદા – દાદીએ અરજી દાખલ કરીને બાળકના વાલી તરીકે નિમણૂક કરવાની માંગ કરી હતી.
મહિલાએ અરજીનો વિરોધ કર્યો હતો અને બાળકનો કબજો માંગ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે દાદા-દાદી વૃદ્ધ થઈ રહ્યા હોવાથી બાળકની સંભાળ નહીં રાખી શકે. હવે તે પગભર થઈ સારી આવક ધરાવતી હોવાથી પુત્રીની સંભાળ રાખવા માટે વધુ સારી સ્થિતિમાં છે.
અદાલતે બાળકનો કબજો માતાને સોંપવાનો આદેશ આપ્યો હતો અને દાદા-દાદીને અઠવાડિયામાં એક કે બે વાર બાળકની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી. (પીટીઆઈ)