હાઈ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેના જામીન મંજૂર કર્યા…
જોકે એન્ટિલિયા નજીક વિસ્ફોટકોના કેસમાં અદાલતી કસ્ટડીમાં હોવાથી વાઝેનો છુટકારો નહીં થાય

મુંબઈ: ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને સંડોવતા ભ્રષ્ટાચારના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેના જામીન મંજૂર કર્યા હતા. જોકે નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા દાખલ ઉદ્યાગપતિ મૂકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટકો ગોઠવવાના કેસમાં અદાલતી કસ્ટડીમાં હોવાથી વાઝેનો હાલમાં જેલમાંથી છુટકારો નહીં થાય.
આ પણ વાંચો : દેશમુખ દ્વારા ગેરકાયદે કામ કરવાનું દબાણ હતું: ફડણવીસને લખેલો પત્ર સચિન વાઝેએ વિશેષ અદાલતમાં રજૂ કર્યો
જસ્ટિસ એમ. એસ. સોનકના વડપણ હેઠળની ડિવિઝન બૅન્ચે વાઝેના જામીન મંજૂર કર્યા હતા અને વિશેષ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કોર્ટે મૂકેલી શરતો લાગુ રહેશે, એમ કહ્યું હતું.
એન્ટિલિયા નજીક વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાના કેસમાં પણ વાઝેએ જામીન માટે અરજી કરી છે. તે કેસમાં વાઝે તાજનો સાક્ષી બની ગયો છે અને એ કેસના અન્ય આરોપીઓ જામીન પર છે, એવું કારણ આપીને તેણે જામીન માટે અરજી કરી હતી.
વાઝેના વકીલ આબાદ પોન્ડાએ જણાવ્યું હતું કે મારા અસીલને તાજનો સાક્ષી જાહેર કરાયો હોવા છતાં તેને જેલમાં રાખવો તે સૈદ્ધાંતિક અધિકારોનું ઉલ્લંઘન છે.
જોકે સીબીઆઈએ અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે વાઝેએ હજુ કેસમાં જુબાની આપી નથી અને તેથી તેને જામીન મળવા ન જોઈએ.
જૂન, 2022માં વિશેષ સીબીઆઈ કોર્ટે વાઝેને તાજનો સાક્ષી જાહેર કર્યો હતો.
એન્ટિલિયા નજીક વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાના અને થાણેના વેપારી મનસુખ હિરેનની હત્યા કરવાના કેસમાં માર્ચ, 2021માં વાઝેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેએ અનિલ દેશમુખ સામેના લાંચના આરોપોનો પુનરોચ્ચાર કર્યોે, ફડણવીસે તપાસની ખાતરી આપી
એપ્રિલ, 2021માં હાઈ કોર્ટના આદેશ બાદ સીબીઆઈએ આ કેસમાં ભ્રષ્ટાચારના પ્રકરણની તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)