દારૂ અને ડ્રગનું વ્યસન માનસિક બીમારી: હાઈકોર્ટ આરોપીની માનસિક સારવાર અને પુનર્વસન જરૂરી…

મુંબઈ: દારૂ અને નશીલા દ્રવ્યોનું વ્યસન માનસિક બીમારી છે તેની નોંધ લઈ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે સમાજની સલામતીને ધ્યાનમાં રાખી ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને જામીન પર મુક્ત કરતા પહેલા માનસિક સારવાર અને પુનર્વસનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પત્નીની કથિત સતામણી અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગયા અઠવાડિયે આ આદેશ આપ્યો હતો.
ન્યાયમૂર્તિ સંજય દેશમુખની ખંડપીઠે પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર શરાબ અને ડ્રગ્સની સરળતાથી મળી જાય છે એ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે પડોશી દેશો દ્વારા નવી પેઢીને પ્રતિબંધિત ડ્રગ્સ પૂરા પાડવામાં આવે છે. ખંડપીઠે સંબંધિત અધિકારીઓ અને જિલ્લા અદાલતોને નિર્દેશ આપ્યો છે કે તેઓ માનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ, 2017 ની જોગવાઈઓનું કડક પાલન કરી આરોપીઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી માનસિક રીતે સારવાર કરે.
હાઈકોર્ટે કહ્યું કે તમામ સંબંધિતો, પોલીસ, જેલ સત્તાવાળાઓ અને અદાલતો દ્વારા આનું પાલન કરવાથી ગુના ઘટશે અને સમાજ આવી વ્યક્તિથી મુક્ત થશે. આ પ્રક્રિયા ક્રિમિનોલોજી અને પેનોલોજી મુજબ સજાના સુધારાત્મક સિદ્ધાંતના ઉદ્દેશ્યને પૂર્ણ કરશે. પત્નીને પરેશાન કરવા અને હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા પ્રમોદ ધુલેની જામીન અરજીના જવાબમાં આ આદેશ આપવામાં આવ્યો છે. દારૂના વ્યસની હોવાથી ગેરવર્તણૂકના કારણે ધુલેને સીઆરપીએફમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.
ખંડપીઠે જણાવ્યું હતું કે આવા માનસિક રીતે બીમાર લોકોને જામીન પર છોડી દીધા પછી તેઓ ગેરકાયદેસર કૃત્યો ચાલુ રાખે છે. યોગ્ય સારવાર અને પુનર્વસન વિના આવા લોકોને જામીન પર મુક્ત કરવાને બદલે, સમાજની સલામતીના હિતમાં તેમની માનસિક બીમારી માટે તેમની સારવાર કરવી ફાયદાકારક રહેશે.
આરોપીએ તેની અરજી પાછી ખેંચી લીધા બાદ હાઈકોર્ટે નાંદેડ જેલના અધિકારીઓને તેને મનોચિકિત્સક મૂલ્યાંકન અને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો.
(પીટીઆઈ)