એક વર્ષની ઉંમરે પહેલા ધોરણમાં એડમિશન: ન્યાયતંત્રને છેતરવાનો પ્રયાસ
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સંજોગોવશાત અદાલતમાં અરજી દાખલ કરવાની પ્રથા અસ્વીકાર્ય ગણી છે અને ન્યાયતંત્રને છેતરવાનો પ્રયાસ કરવા બદલ એક શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા ક્લર્ક પર 25 હજાર રૂપિયા ખર્ચ લાદવામાં આવ્યો છે.
ન્યાયમૂર્તિ રવિન્દ્ર ઘુગે અને ન્યાયમૂર્તિ અશ્વિન ભોબેની ખંડપીઠે 5 ડિસેમ્બરે વિજય ફસાલે દ્વારા સરકારી રેકોર્ડમાં તેમની જન્મ તારીખ 1968 થી બદલીને 1972 કરવાની માંગ કરી ઉંમર ચાર વર્ષ ઘટાડવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
જૂન 1997થી સાંગલી જિલ્લાની એક શૈક્ષણિક સંસ્થામાં ક્લર્કની નોકરી કરતા વિજય ફસાલેએ તેમની જન્મ તારીખ જૂન 1968થી બદલી જૂન 1972 કરવાની માંગ કરી હતી. અદાલતે ફસાલેના સ્કૂલના રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો અને એ મુજબ તેમણે મે 1984માં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી.
આ પણ વાંચો :મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોમ્બે હાઈકોર્ટના સૂચિત નવા સંકુલનો શિલાન્યાસ
અદાલતે જણાવ્યું હતું કે ‘જો અરજદારની જન્મ તારીખ જૂન 1972 ધરવામાં આવે તો એનો અર્થ અર્થ એ થાય કે તેણે 12 વર્ષની ઉંમરે 10મું ધોરણ પાસ કર્યું હતું. એનો અર્થ એ થાય કે જૂન 1973માં એક વર્ષની ઉંમરે તેને પહેલા ધોરણમાં એડમિશન આપવામાં આવ્યું હતું. અદાલતની આંખમાં ધૂળ નાખી છટકી શકાય એવા વહેમમાં ફસાલેએ ન રહેવું જોઈએ.’
ખંડપીઠે અરજી ફગાવી 25 હજાર રૂપિયાનો ખર્ચ ફસાલેના પગારમાંથી કાપીને કીર્તિકર લો કોલેજની લાઇબ્રેરીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)