ચૂંટણી પરિણામો બાદ જો બેનરબાજી કરી તો…
મુંબઈ : વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરના રોજ મતદાન થયું હતું અને આજે મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે. આચારસંહિતા સમાપ્ત થયા બાદ મુંબઇમાં બેનરબાજીનું ઘોડાપુર આવે તેવી શક્યતા છે. તેથી આ સંદર્ભે કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ બેનર લગાવવા સામે વિશેષ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. વહીવટીતંત્રે 24 વિભાગીય કચેરીઓને પોલીસ સુરક્ષા હેઠળ આવા બેનરો હટાવવાના આદેશ આપ્યા છે. દરમિયાન બોર્ડ, બેનર કે પોસ્ટર પર કોઈ નેતા, કાર્યકર્તાનું નામ કે ફોટો હોય તેમની સામે પણ કડક કાર્યવાહી થશે.
Also read: Maharashtra Election Result Live: 288 બેઠકના ટ્રેન્ડમાં મહાયુતિ 228 અને એમવીએ 53 બેઠક પર આગળ
વિધાનસભાની ચૂંટણીના પગલે આચારસંહિતા જારી થાય તે પહેલા રાજ્યમાં ઠેર-ઠેર ગેરકાયદે હોર્ડિંગની શક્યતાને ધ્યાનમાં રાખીને હાઇ કોર્ટે રાજ્યની તમામ નગરપાલિકાઓ અને નગર પરિષદોને સાતથી 10 દિવસ સુધી ખાસ ઝુંબેશ હાથ ધરવા આદેશ કર્યો હતો અને તેમને ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનારા સામે કડક પગલાં લેવા જણાવ્યું હતું. જો કે, 18 નવેમ્બરના રોજ હાઇકોર્ટે એ હકીકત તરફ આંખ આડા કાન કરવાની સરકારની ભૂમિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે દસ દિવસ સુધી કેટલીક નગરપાલિકાઓએ એક દિવસ માટે પણ આ ઝુંબેશનો અમલ કર્યો નથી અને ઠેર ઠેર ગેરકાયદે હોર્ડિંગ્સ બિલાડીના ટોપની જેમ જોવા મળી રહ્યા છે. હવે વિધાનસભાની ચૂંટણીના પરિણામોના પગલે ફરી એકવાર ગેરકાયદે હોર્ડિંગમાં વધારો થશે. તેથી, મુખ્ય ન્યાયાધીશે સંબંધિત એજન્સીઓને ચેતવણી પણ આપી છે કે ચુકાદા પછી કોઈ ગેરકાયદે હોર્ડિંગ લાગવા ના જોઇએ.
વિધાનસભાના પરિણામોની જાહેરાત બાદ મુંબઈમાં ચૂંટાયેલા વિધાન સભ્યો, રાજકીય પક્ષો કે અન્ય રાજકીય પક્ષકારોને અભિનંદન આપવાનું ચલણ હોય છે. કોર્ટના આદેશો અને બેનરબાજીની શક્યતાને ધ્યાનમાં લઈને, મુંબઈ મહાનગરપાલિકાના લાઇસન્સિંગ વિભાગે વિભાગની કચેરીઓમાં સંબંધિત અધિકારીઓને બેનરબાજી સામે વિશેષ કાર્યવાહી અભિયાન હાથ ધરવા આદેશો આપ્યા છે.
લાયસન્સિંગ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશો શુક્રવારે મુંબઈ મહાનગરપાલિકાની 24 વિભાગીય કચેરીઓને તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે આ આદેશોનો કડક અમલ કરવા જણાવ્યું છે.