‘આઈ લવ યુ’ કહેવાથી જાતીય સંબંધનો ઈરાદો છતો નથી થયોઃ હાઈ કોર્ટની સ્પષ્ટતા…

મુંબઈ: ‘આઈ લવ યુ’ કહેવું એ ફક્ત લાગણીઓની અભિવ્યક્તિ છે અને “જાતીય ઇરાદો” નથી, એમ કહેતા બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે ૨૦૧૫માં એક કિશોરી સાથે છેડતી કરવાના આરોપી ૩૫ વર્ષીય પુરુષને નિર્દોષ જાહેર કર્યો છે.
ન્યાયાધીશ ઉર્મિલા જોશી-ફાળકેની બેન્ચે સોમવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે કોઈપણ જાતીય કૃત્યમાં અયોગ્ય સ્પર્શ, બળજબરીથી કપડાં ઉતારવા, અભદ્ર હાવભાવ અથવા મહિલાના નમ્રતાનું અપમાન કરવાના ઈરાદાથી કરવામાં આવેલી ટિપ્પણીનો સમાવેશ થાય છે.
ફરિયાદ મુજબ, તે વ્યક્તિએ નાગપુરમાં ૧૭ વર્ષીય પીડિતાનો હાથ પકડીને ‘આઈ લવ યુ’ કહ્યું હતું.
નાગપુરની એક સેશન્સ કોર્ટે ૨૦૧૭ માં તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. હાઈ કોર્ટે તે વ્યક્તિની સજા રદ કરી, નોંધ્યું કે એવી કોઈ પરિસ્થિતિ નથી કે જે દર્શાવે કે તેનો વાસ્તવિક હેતુ પીડિતા સાથે જાતીય સંપર્ક સ્થાપિત કરવાનો હતો. હાઈ કોર્ટે કહ્યું કે આ કેસ છેડતી કે જાતીય સતામણીના દાયરામાં આવતો નથી. હાલના કેસમાં, એવો કોઈ પુરાવો નથી કે જે દર્શાવે છે કે આરોપીએ જાતીય ઇરાદાથી ‘આઈ લવ યુ’ કહ્યું હતું.