કોર્ટ અને સરકારના આદેશ વચ્ચે પાલિકાના અધિકારીનો મરો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક તરફ મુંબઈ હાઈ કોર્ટે પક્ષીઓને ચણ નાખવા સામે પોલીસમાં એફઆઈઆર ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ રાજ્ય સરકારે અમુક પ્રમાણમાં પક્ષીઓને ખોરાક આપવાની મંજૂરી આપી હોવાને કારણે આમાં સુધરાઈના અધિકારીઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. કોર્ટના આદેશનું પાલન ના કરે તો તેમની સામે પગલાં લેવામાં આવી શકે અને સરકારના આદેશનું પાલન ના કરે તો તેમની નોકરી સામે પણ જોખમ આવી શકે છે.
બંને તરફથી પીસાઈ રહેલા સુધરાઈના અધિકારીઓ જોકે મંગળવારે પણ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં સાર્વજનિક સ્થળે કબૂતરોને ગેરકાયદે ચણ નાખનારા સામે ગુનો નોંધવાની પોતાની કાર્યવાહી ચાલુ જ રાખી હતી. મુખ્ય પ્રધાનના નિર્દેશ બાદ પણ દાદર કબૂતરખાના પર રવિવાર ત્રણ ઓગસ્ટના લગાવવામાં આવેલા પ્લાસ્ટિકના કવરને હટાવવાની કોઈ યોજના ન હોવાનું મંગળવાર સાંજે પાલિકાના જી-ઉત્તર વોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરીને કબૂતરખાનાને ઢાંકવામાં આવ્યું છે. તેથી હાલ આ પ્લાસ્ટિકના કવરને હટાવવાની કોઈ યોજના નથી. અમારે હાઈ કોર્ટના આદેશનું પાલન પણ કરવું પડશે તો રાજ્ય સરકારના નિર્દેશને પણ સાથે રાખીને ચાલવું પડશે એવું અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.
આ દરમ્યાન દક્ષિણ મુંબઈના સૌથી જૂના અને પ્રખ્યાત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસટી) નજીક આવેલી જનરલ પોસ્ટ ઓફિસ (જીપીઓ) પાસેના કબૂતરખાના પાસે કબૂતરોને ખાદ્ય પર્દાથ નાખનારા સામે કાર્યવાહી કરવા માટે પાલિકાના ‘એ’ વોર્ડ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશને પત્ર લખવામાં આવ્યો હતો.
‘એ’ વોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને પ્રતિબંધિત માત્રામાં પક્ષીઓને ખાદ્યપદાર્થ આપવાની છૂટ આપી છે પણ અમારી કાર્યવાહી ચાલુ જ રહેશે. જોકે દાદર કબૂતરખાનાને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવ્યું છે એ મુજબ ‘એ’ વોર્ડના કબૂતરખાનાને ઢાંકી દેવાની કોઈ યોજના નથી. અહીં કબૂતરોને ખાદ્ય પદાર્થ નાખનારા સામે પગલા લેવા માટે પોલીસની મદદ લેવામાં આવી છે.
કોર્ટે પ્રતિબંધ મૂકયો હોવા છતાં ચણ નાખનારાઓ સતત આવીને તેમને ખાદ્યપર્દાથ નાખી જતા હોય છે. તેથી તેમને દંડવાનું કામ ચાલુ રાખ્યું છે. કોર્ટના આદેશનું પાલન કરવા માટે બે શિફ્ટમાં અહીં પાલિકાના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. સ્થાનિકોની સાથે જ મોટી સંખ્યામાં પર્યટકો અહીં કબૂતરોને ચણ નાખી જતા હોય છે. તેથી પોલીસની પણ મદદ માગવામાં આવી છે.
આ પણ વાંચો…કબૂતરને ચણ નાખવાને મુદ્દે વિવાદ થતાં લોખંડના સળિયાથી હુમલો: ચાર સામે ગુનો