બોમ્બની ધમકીઓ: શકમંદનું નાગપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ
![Bomb threats](/wp-content/uploads/2024/11/Bomb-threats.webp)
નાગપુર: દેશભરનાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનોને બોમ્બની ધમકી આપનાર 35 વર્ષના શકમંદે નાગપુર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ તેની ધરપકડ કરાઇ હતી.
ગોંદિયા જિલ્લાના અર્જુની મોરગાવના રહેવાસી જગદીશ ઉઇકેને પોલીસે નોટિસ મોકલીને તપાસ માટે હાજર રહેવાનું કહ્યા બાદ તે ફ્લાઇટમાં નાગપુર આવી પહોંચ્યો હતો અને ગુરુવારે સાંજે તેણે આત્મસમર્પણ કર્યું હતું.
26 ઑક્ટોબર સુધી 13 દિવસમાં ભારતીય એરલાઇન્સની 300થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકી મળી હતી. મોટા ભાગની ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી.
આપણ વાંચો: ક્યારે અટકશે આ સિલસિલો! વધુ 27 ફ્લાઇટ્સને મળી બોમ્બની ધમકી…
એકલા 22 ઑક્ટોબરે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની પ્રત્યેક 13 ફ્લાઇટ્સ સહિત 50 ફ્લાઇટ્સને ધમકી મળી હતી.
જગદીશ ઉઇકે દિલ્હીથી ઑપરેટ કરતો હતો અને તેણે 21 ઑક્ટોબરે રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવ તથા રેલવે પોલીસના સત્તાવાળાઓને ઇ-મેઇલ મોકલ્યો હતો, જેને પગલે રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
2021માં તેણે બોમ્બની ધમકીની જાણ કરતો કૉલ કર્યો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. છૂટ્યા બાદ તે અર્જુની મોરગાવથી જતો રહ્યો હતો અને અને નિકટવર્તી મિત્રોને તેણે જણાવ્યું હતું કે તે દિલ્હી ગયો છે.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) શ્ર્વેતા ખેડકરના આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓએ જગદીશે વિવિધ સંસ્થાનોને મોકલેલા ઇ-મેઇલને આધારે તેને શોધી કાઢ્યો હતો.
જગદીશે 11મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેણે આતંકવાદ પર ‘આતંકવાદ-એક તુફાની રક્ષક’ નામનું પુસ્તક લખ્યું હતું. (પીટીઆઇ)