મહાનગરી એક્સપ્રેસમાં બોમ્બની ધમકીઃ મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી…

ટ્રેનના બાથરૂમમાં ISI અને બોમ્બની ધમકીનો મેસેજ મળતા દોડધામ, ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા કોચની સઘન તપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પછી સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે મહાનગરી એક્સપ્રેસના જનરલ કોચના બાથરુમ પર આઈએસઆઈનું લખાણ કારણે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની મહાનગરી એક્સપ્રેસમાં આજે સવારના એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં બોમ્બ હોવાની શંકા ઊભી થઈ હતી. મેસેજમાં પાકિસ્તાન ઝિંદાબાદ અને આઈએસઆઈ જેવા દેશવિરોધી નારા લખવામાં આવ્યા હતા, પરિણામે સુરક્ષા એજન્સીએ તાત્કાલિક હાઈ એલર્ટ જારી કર્યું હતું અને તપાસ અભિયાન હાથ ધર્યું હતું.
મળતી માહિતી અનુસાર અજાણી વ્યક્તિએ ટ્રેનના એક કોચના શૌચાલયમાં આઈએસઆઈ અને પાકિસ્તાન ઝિંદાબાદ લખ્યું હતું. આ મેસેજની સાથે ટ્રેનમાં બોમ્બ હોવાની ચેતવણી આપી હતી. આ લખાણ રેલવે કર્મચારીઓએ જોયા પછી કર્મચારીઓ વરિષ્ઠ અધિકારીઓને માહિતી આપી હતી. એના પછી સમગ્ર રુટના રેલવે સ્ટેશનમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું.
સવારના 8.30 વાગ્યાના સુમારે જ્યારે ટ્રેન ભુસાવળ પહોંચી ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને રેલવે સરકારી પોલીસ (જીઆરપી)એ સંયુક્ત તપાસ અભિયાન હાથ ધર્યું હતું. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ)એ કોચની સંપૂર્ણ તપાસ કરી હતી, ત્યાર પછી કોચમાં પ્રવાસીઓના સામાનની પણ તપાસ કરી હતી. લગભગ એક કલાકની ઝીણવટપૂર્વકની તપાસ કર્યા પછી કંઈ સંદિગ્ધ નહીં મળ્યા પછી ટ્રેનને નવ વાગ્યે રવાના કરવામાં આવી હોવાનું રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
રેલવે પોલીસના અધિકારીએ કહ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને પ્રવાસીઓ સુરક્ષિત હોવાની પણ ખાતરી આપી હતી. આ બનાવમાં તપાસ પણ ચાલુ છે તેમ જ સમગ્ર રાજ્યના સંવેદનશીલ રેલવે સ્ટેશનની સુરક્ષા વધારી છે.



