આમચી મુંબઈ

મુંબઈમાં 48 કલાકમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઃ તપાસમાં પોલીસને મળ્યું નહીં કંઈ સંદિગ્ધ

મુંબઈ: ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈ જેવો માહોલ છે ત્યારે દક્ષિણ મુંબઈમાં આવેલા મંત્રાલયના અધિકારીને બૉમ્બ બ્લાસ્ટ સંબંધી ઈ-મેઈલ મળતાં પોલીસ અલર્ટ મોડ પર આવી ગઈ હતી. બૉમ્બધડાકાની ચેતવણી આપતો એક મેઈલ મહારાષ્ટ્ર પોલીસ ક્ધટ્રોલ રૂમને પણ આવ્યો હોવાનું પણ કહેવાય છે, જે મેઈલ એક મહિલાના ઈ-મેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાયું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ મંત્રાલયના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ક્ધટ્રોલ રૂમના અધિકારીને સોમવારની સાંજે એક મેઈલ આવ્યો હતો. આગામી 48 કલાકમાં બૉમ્બ બ્લાસ્ટ થશે, એવું મેઈલમાં જણાવાયું હતું. જોકે બ્લાસ્ટ કયા સ્થળે થશે, એની કોઈ વિગત મેઈલમાં નહોતી.

આ પણ વાંચો: મુંબઈમાં એક બે દિવસમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીભર્યો ઇમેઇલ મળતા પ્રશાસન હરકતમાં

મેઈલ મળતાં જ આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. સતર્કતા ખાતર પોલીસે મંત્રાલયના બિલ્ડિંગમાં સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું પોલીસનું કહેવું છે.

સરહદે ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીભર્યું વાતાવરણ હોવાથી મુંબઈ પોલીસે મહત્ત્વનાં સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. મેઈલ સંબંધે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ને પણ જાણ કરવામાં આવી હતી. આ પ્રકરણે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી; કોલકાતા એરપોર્ટ હાઈ એલર્ટ પર

દરમિયાન કોલાબાના મહારાષ્ટ્ર પોલીસ ક્ધટ્રોલ રૂમને પણ સોમવારે એક મેઈલ મળ્યો હોવાનું કહેવાય છે. આ મેઈલમાં આગામી ત્રણેક દિવસમાં બ્લાસ્ટ થવાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે એ મેઈલમાં પણ રાજ્ય અને દેશમાં ક્યાંય પણ બ્લાસ્ટ થઈ શકે છે, એવું નોંધવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ આ મેઈલ મોકલનારની પોલીસે તપાસ કરતાં એક મહિલાના ઈ-મેઈલ આઈડી પરથી મેઈલ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મેઈલમાં લખવામાં આવ્યું હતું કે હું તમને (પોલીસને) વિનંતી કરું છું કે અચાનક મોટો બ્લાસ્ટ થવાનો હોવાથી આજે, આવતી કાલે અને પરમદિવસે સતર્ક રહેજો. જોકે કયા સમયે અને ક્યાં બ્લાસ્ટ થશે, એની જાણકારી નથી, પણ નજીકના સમયમાં થઈ શકે છે. તેથી આની અવગણના કરશો નહીં. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button