ભાયંદરમાં બોલબચ્ચન ગૅન્ગ સક્રિય: વૃદ્ધાના દાગીના પડાવ્યા
![](/wp-content/uploads/2023/09/laptop-theft-thumbnail_1-780x470.webp)
મુંબઈ: મીરા-ભાયંદરમાં બોલબચ્ચન ગૅન્ગ ફરી સક્રિય થઈ હોઈ ભાયંદરમાં બાળકને મદદ કરવાને બહાને વાતોમાં ભોળવી 60 વર્ષની વૃદ્ધાના દાગીના તફડાવવામાં આવ્યા હતા. આ ટોળકી વિવિધ મુદ્દે વાતોમાં પરોવી રાખી કીમતી વસ્તુઓ પડાવી રફુચક્કર થઈ જતી હોવાનું જણાવીને પોલીસે નાગરિકો ખાસ કરીને મહિલા અને સિનિયર સિટિઝન્સને રસ્તે ચાલતી અજાણી વ્યક્તિ સાથે વાત કરવાનું ટાળવાની અપીલ કરી હતી.
ભાયંદર પૂર્વમાં મણિભદ્ર નગરમાં રહેતી શ્રવણી કુમાવતને પણ ગુરુવારે આ જ રીતે ઠગવામાં આવી હતી. કુમાવતે નોંધાવેલી ફરિયાદને આધારે નવઘર પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર વૃદ્ધા ભાયંદર રેલવે સ્ટેશનેથી ચાલતી ઘરે જઈ રહી હતી ત્યારે પ્યાસા હોટેલ નજીક એક બાળક તેની નજીક આવ્યો હતો. બાળકે રસ્તો ભૂલી ગયો હોવાનો દાવો કર્યો હતો. એ જ સમયે આરોપી વૃદ્ધા પાસે આવ્યો હતો અને બાળકને મદદ કરવા હજાર રૂપિયા આપવાની તૈયારી દાખવી હતી. સામે વૃદ્ધાને પણ અમુક રકમ આપવાની વિનંતી કરી હતી.
આ પણ વાંચો : મુંબઈ ગોવા નેશનલ હાઇવે વિશે મહત્વના અપડેટ જાણી લેજો
ફરિયાદમાં જણાવાયું હતું કે વૃદ્ધાએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં આરોપીએ તેને મીઠી વાતોમાં ભોળવી હતી. દાગીના ચોરીનો ભય દેખાડી વૃદ્ધાએ પહેરેલા દાગીના કાઢીને રૂમમાં મૂકી દેવાનું કહ્યું હતું. વૃદ્ધાએ સોનાનું મંગળસૂત્ર અને કાનની બૂટી કાઢીને રૂમાલમાં રાખ્યા હતા. રૂમાલને સરખી ગાંઠ બાંધી આપીને આરોપીએ ઘરે જઈને ખોલવાની વિનંતી વૃદ્ધાને કરી હતી.
ઘરે જઈને વૃદ્ધાએ રૂમાલ ખોલતાં દાગીનાને બદલે પથ્થર નીકળ્યા હતા. પોતે છેતરાઈ હોવાની જાણ થતાં નવઘર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપીની ઓળખ મેળવવા માટે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.