‘બોલબચ્ચન ગૅન્ગ’ના બે સભ્ય અમદાવાદમાં પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ, થાણે અને મીરા-ભાયંદરમાં સિનિયર સિટિઝનોને વાતોમાં પરોવી રાખી સોનાના દાગીના સહિત કીમતી વસ્તુઓ પડાવી ફરાર થઈ જનારી ‘બોલબચ્ચન ગૅન્ગ’ના બે સભ્યને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યા હતા.
સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ ભાણાભાઈ ધનજી મારવાડી (45) અને ગોપીભાઈ રાજુભાઈ મારવાડી (23) તરીકે થઈ હતી. અમદાવાદના સરદાર નગર પોલીસની હદમાં રહેતા બન્ને આરોપીને વધુ તપાસ માટે નવઘર પોલીસના તાબામાં સોંપાયા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર ભાયંદર પૂર્વના મણિભદ્ર નગર ખાતે રહેતી સરવણી કુમાવત (60)ે ચોથી ફેબ્રુઆરીએ ભાયંદર સ્ટેશનથી ઘરે જઈ રહી હતી ત્યારે તેની સાથે કથિત ઠગાઈ થઈ હતી. એક બાળકને મદદ કરવાને બહાને વૃદ્ધાને વાતોમાં પરોવી રાખવામાં આવી હતી. વાત વાતમાં ભોળવીને વૃદ્ધાને તેની પાસેના સોનાના દાગીના કાઢીને એક કાગળમાં મૂકવાની ફરજ પડાઈ હતી. કાગળનું પડીકું બાંધીને વૃદ્ધાને આપવામાં આવ્યું હતું અને ઘરે જઈને ખોલવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભાયંદરમાં બોલબચ્ચન ગૅન્ગ સક્રિય: વૃદ્ધાના દાગીના પડાવ્યા
ઘરે જઈને વૃદ્ધાએ કાગળ ખોલતાં પથ્થર નીકળ્યા હતા. સોનાનું મંગળસૂત્ર અને ઈયરિંગ્સ તફડાવી બન્ને ઠગ ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે નવઘર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ અવિરાજ કુરાડેની ટીમે સતત 10 દિવસ સુધી સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી બન્ને ઠગ ગુજરાતના હોવાનું શોધી કાઢ્યું હતું. આરોપી અમદાવાદના હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સરદાર નગર પોલીસની મદદથી બન્નેને તાબામાં લેવાયા હતા. પોલીસની એક ટીમ દાગીના હસ્તગત કરવા અમદાવાદમાં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ઘાટકોપર, નવઘર, દહિસર, માટુંગા, વડાલા, ઉલ્હાસનગર, કલવા અને કલ્યાણ રેલવે પોસમાં આવા જ પ્રકારના ગુના નોંધાયેલા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.