માતાના નામે બોગસ સ્નેપચૅટ એકાઉન્ટ ખોલી દીકરીને ધમકાવનારા વિરુદ્ધ ગુનો

મુંબઈ: ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતી યુવતી પર નજર રાખવા યુવાને યુવતીની જ માતાને નામે બોગસ સ્નેપચૅટ એકાઉન્ટ ખોલ્યું હતું. પછી યુવતીને અશ્ર્લીલ તસવીરો વાયરલ કરવાની ધમકી આપનારા યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પવઈમાં રહેતી અને હાલમાં ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતી 23 વર્ષની યુવતીની માતાની ફરિયાદને આધારે પવઈ પોલીસે બુધવારની રાતે ઈન્ફર્મેશન ઍક્ટની કલમ 66(સી) અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) હેઠળ અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ બોગસ સ્નેપચૅટ આઈડીની મદદથી ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી રહી છે. આરોપી યુવતીનો પરિચયનો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: અશ્ર્લીલ તસવીરો વાયરલ કરીને મહિલાને ઍસિડ અટેકની ધમકી આપનારો પકડાયો
પોલીસ ફરિયાદ અનુસાર યુવતીનાં માતા-પિતા પવઈની પૉશ સોસાયટીમાં રહે છે. યુવતી લગભગ પાંચેક વર્ષથી સ્નેપચૅટનો ઉપયોગ કરે છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં યુવતીને તેની માતાના નામના એકાઉન્ટ પરથી ફૉલો રિસ્ક્વેસ્ટ આવી હતી. માતાની રિક્વેસ્ટ હોવાનું માની યુવતીએ તેને એક્સેપ્ટ કરી હતી. બાદમાં ચૅટિંગના માધ્યમથી યુવાન યુવતીની હિલચાલ પર નજર રાખતો હતો.
થોડા દિવસ પછી યુવાને તેને ધમકાવવાની શરૂઆત કરી હતી. તારી અશ્ર્લીલ તસવીરો મારી પાસે હોવાથી તે વાયરલ કરવાની ધમકી યુવતીને આપવામાં આવી હતી. ધમકીને પગલે યુવતીને આંચકો લાગ્યો હતો. તેણે માતાનો સંપર્ક સાધી આ અંગે પૂછપરછ કરી હતી. અજાણી વ્યક્તિએ બોગસ એકાઉન્ટ બનાવ્યું હોવાનું જાણવા મળતાં માતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.