લોકલ ટ્રેનના કોચમાંથી મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો, પોલીસ હરકતમાં
મુંબઈ: પશ્ચિમ રેલવેના વિરાર ખાતેના કારશેડમાં લોકલ ટ્રેનના કોચમાંથી મૃતદેહ લટકતી હાલતમાં મળતા રેલવે પોલીસ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. વિરાર સ્થિત કારશેડમાં પાર્ક કરવામાં આવેલી ખાલી લોકલ ટ્રેનના કોચમાં લટકેલી હાલતમાં રેલવે કર્મચારીને મૃતદેહ મળ્યો હતો.
શનિવારે સાંજે વિરારથી આ ટ્રેન 4.30 વાગ્યે કારશેડમાં વિરાર લોકલ ટ્રેનને પાર્ક કરવામાં આવી હતી, ત્યારબાદ રાતના લગભગ 10.00 વાગ્યાના સુમારે ટ્રેનમાં કોઈ વ્યક્તિ લટકેલી હાલતમાં હોવાની જાણ થઈ હતી, ત્યારબાદ સંબંધિત અધિકારીને જાણ કરવામાં આવી હતી.
આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે જ્યારે જાળવણીનું કામ કરવા ગયેલા કર્મચારીઓ ટ્રેનના કોચમાં ચડ્યા હતા ત્યારે એક કર્મચારીને લટકેલી અવસ્થામાં એક મૃતદેહ મળ્યો હતો. આ મામલે રેલવે પોલીસે મૃતદેહને તાબામાં લઈ તેને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ દસમી ડિસેમ્બરે કલ્યાણમાં પણ એક મહિલાનો મૃતદેહ એક હોટેલની રૂમમાં મળી આવી હતી. આ મૃતક મહિલાની ઓળખ જ્યોતિ તોડરમલ તરીકે કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે રવિવારે આ મહિલાની સાથે વધુ એક વ્યક્તિએ પણ ચેક ઇન કર્યું હતું. પણ તે વ્યક્તિ કોઈને જાણ થયા વિના હોટેલમાંથી નીકળી ગયો હતો.
હોટેલના હાઉસ કીપિંગ સ્ટાફે રૂમ સર્વિસ કરતી વખતે આ મહિલાનો મૃતદેહ જોયો હતો. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. હોટેલના રુમમાંથી બહાર જનારી વ્યક્તિની શોધ શરૂ કરી દીધી છે. મહિલાના મોતનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, એવું પોલીસે જણાવ્યું હતું.