ઉજની ડેમના બૅકવૉટર્સમાં ડૂબી ગયેલા છ જણના મૃતદેહ મળ્યા
પુણે: પુણે જિલ્લાના ઉજની ડેમના બૅકવૉટર્સમાં બોટ ઊંધી વળવાને કારણે ડૂબી ગયેલા છ જણના મૃતદેહ 36 કલાક બાદ ગુરુવારે સવારે મળી આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ મંગળવારની સાંજે બનેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ગોકુળ દત્તાત્રય જાધવ (30), કોમલ ગોકુળ જાધવ (25), માહી ગોકુળ જાધવ (3), શુભમ ગોકુળ જાધવ (18 મહિના), અનુરાગ જ્ઞાનદેવ અવઘડે (26) અને ગૌરવ ધનંજય ડોંગરે (24)નો સમાવેશ થાય છે.
ભુગાંવ અને કલાશી ગાંવ વચ્ચે બોટ સર્વિસ ચલાવવામાં આવે છે. મંગળવારની સાંજે ડેમના બૅકવૉટર્સમાં બોટ ઊંધી વળતાં બે બાળક સહિત છ જણ ડૂબી ગયાં હતાં. બનાવની જાણ થતાં નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
એનડીઆરએફની ટીમને બુધવારે બૅકવૉટર્સમાંથી બોટ મળી આવી હતી, પરંતુ ડૂબી ગયેલાઓની કોઈ ભાળ મળી નહોતી. ગુરુવારે સવારથી ત્રણ બોટમાં સવાર એનડીઆરએફના વીસ જવાને શોધકાર્ય હાથ ધર્યું હતું. અમુક માછીમારોની હોડી પણ તેમની મદદે હતી. આખરે 36 કલાકની જહેમત પછી મૃતદેહો મળી આવ્યા હતા. કહેવાય છે કે બોટ જે સ્થળે ઊંધી વળી હતી ત્યાંથી જ પાંચ મૃતદેહ મળ્યા હતા, જ્યારે એક મૃતદેહ ત્યાંથી થોડે જ દૂરથી મળ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કરમાળા ગ્રામીણ હૉસ્પિટલમાં મોકલી દેવાયા હતા.