ગેટ વેથી એલિફન્ટાની બોટિંગ રાઈડના રૂ. એક હજાર? જાણો મામલો શું છે

મુંબઈઃ મુંબઈગરાઓ અને અન્ય શહેરો-રાજ્યમાંથી આવતા લોકો માટે પર્યટનનું એક ખાસ આકર્ષણ હોય છે ગેટ વે અને ત્યાંથી એલિફન્ટાની ગુફાઓમાં જવાનું. દરેક ઉંમરના લોકો અહીં વન ડે પિકનિક કે પછી આ સુંદર ગુફાઓ અને તેની સાથે જોડાયેલા ઈતિહાસને જાણવા અને માણવા જાય છે. અહીં રોજ લગભગ 2000 પ્રવાસી આવે છે અને રજાના દિવસે કે વાર તહેવારે આ આંકડો 5000ને પણ આંબી જાય છે. હાલમાં ગેટ વેથી એલિફન્ટા જવાની ટિકિટ રૂ. 150 છે, પરંતુ હવે આ ટિકિટ રૂ. 1000 થાય તેવી સંભાવના છે. આમ સરકારના એક આદેશને લીધે થવાની સંભાવના છે. હકીકતમાં થોડા સમય પહેલા આ બોટની એક કરૂણંતિકા સર્જાઈ હતી અને 15 જણે જીવ ગુમાવ્યાની ઘટના બાદ હવે સરકાર ઘણી સખત બની ગઈ છે.
શું છે સરકારનો આદેશ
સરકારે ગેટ વેથી એલિફન્ટા લઈ જતા બોટમાલિકોને લાકડાની બોટ વાપરવાને બદલે ફાયબરની બોટ વાપરવાનું ફરમાન આપ્યું છે. બોટમાલિકોને આ આદેશને માનવામાં બીજો કોઈ વાંધો નથી, પરંતુ ફાયબરની બોટની કિંમત અને લાકડાની એકદમ સારી બોટની કિંમત વચ્ચે જમીન આસમાનનો ફરક છે. લાકડાની બોટ રૂ. 90 લાખથી રૂ. દોઢ કરોડમાં બને છે જ્યારે ફાયબરની બોટ રૂ. ચાર કરોડ આસપાસ બને છે. આથી બોટમાલિકોના રોકાણ અને આવક વચ્ચે બંધબેસે તેવા નિયમો બનાવવા તેમણે સરકારને અપીલ કરી છે.
આ પણ વાંચો…મુંબઈની ‘અંડરગ્રાઉન્ડ મેટ્રો’ ‘મોનો રેલ’ના પગલે?, અપેક્ષા પ્રમાણે મળતા નથી પ્રવાસી…
હાલમાં ગેટ વે ઓફ ઈન્ડિયાથી ધારાપુરી, અલીબાગ, માંડવા અને એલિફન્ટા લઈ જનારી લગભગ 150થી 200 બોટ છે. એકસાથે બધી જ બોટ ફાયબરની લઈ લેવાનું બધા માટે શક્ય નથી, તેમ બોટમાલિકોના સંગઠને સરકારને જણાવ્યું છે. હાલમાં સરકારે સકારાત્મક પ્રતિસાદ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.