ભિવંડીમાં બોગસ ડોક્ટર્સનો પર્દાફાશ કરવા વિશેષ ઝુંબેશ:

નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે સમિતિની રચના
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં પાલિકાએ બોગસ ડોક્ટર્સનો પર્દાફાશ કરવાની ઝુંબેશ હાથ ધરી છે અને આ અંગેની ફરિયાદો પર ધ્યાન આપવા માટે એક સમિતિની રચના કરી છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએનસીએમસી)એ નાગરિકોને સરકારી આરોગ્ય સુવિધા પર જ નિર્ભર રહેવી સલાહ આપી છે.
‘હાલમાં એક ડીજીપી (બોર્ડર ગેટવે પ્રોટોકોલ) ડિસ્પેન્સરી અને ૧૯ અર્બન હેલ્શ સેન્ટર્સ પાલિકાના મેડિકલ આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત છે. અહીં નાગરિકોને વિવિધ પ્રકારની મેડિકલ સેવાઓ આપવામાં આવે છે’, એમ બીએનસીએમસીના મેડિકલ હેલ્થ ઓફિસર ડો. સંદીપ ગાડેકરે જણાવ્યું હતું.
નેશનલ અર્બન હેલ્થ મિશન હેઠળ ૩૯ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (યુએચડબ્લ્યુસી)ને મંજૂરી આપવામાં આવી હતી તેમાંથી પહેલાથી ભિવંડીમાં ૧૯ સેન્ટર કાર્યરત છે, એમ ગાડેકરે એક નિવેદનમાં જણાવ્યું હતું. બોગસ ડોક્ટર પર તવાઇ લાવવા માટે એક સમીક્ષા સમિતિની રચના કરાઇ છે. સરકારી નિર્દેશ પ્રમાણે પાલિકા સ્તરે સમિતિ બનાવવામાં આવી છે.
અર્બન હેલ્થ સેન્ટર્સના મેડિકલ ઓફિસરોને બોગસ ડોક્ટરોને ઓળખી કાઢવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે તથા નાગરિકોની ફરિયાદ પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું. કોરોનાકાળથી અત્યાર સુધી ભિવંડીમાં ઓછામાં ઓછા ૭૪ બોગસ ડોક્ટર મળી આવ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું. (પીટીઆઇ)