વરલીમાં બીએમડબ્લ્યુ અકસ્માત: બોનટ પર ફસાયેલી મહિલાને બચાવવાને બદલે તેના પર કાર ચડાવી દીધી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલીમાં રવિવારે વહેલી સવારે મહિલાનો ભોગ લેનાર બીએમડબ્લ્યુ કારના અકસ્માતની કેટલીક આંચકાજનક માહિતી સામે આવી હતી, જેમાં આરોપીઓએ ક્રૂરતાની બધી જ હદ પાર કરી દીધી હતી. એકનાથ શિંદે જૂથના પાલઘરના ઉપનેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહે બીએમડબ્લ્યુ કાર હંકારીને સ્કૂટરને અડફેટમાં લીધા બાદ બોનેટ અને બંપર વચ્ચે ફસાયેલી મહિલાને તે દૂર સુધી ઘસડી ગયો હતો. ઘાયલ મહિલાને નીચે ઉતાર્યા બાદ તેને બચાવવાને બદલે ડ્રાઇવરે તેના પર કાર ચડાવી દીધી હતી, એવું તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે મિહિર શાહ તેના મિત્રો સાથે જુહુમાં બારમાં ગયો હતો. મોડી રાતે 1.15 વાગ્યાની આસપાસ તેઓ બિલ ચૂકવી બહાર નીકળ્યા હતા. મિહિર બાદમાં તેના ડ્રાઇવર રાજઋષી બિડાવત સાથે બીએમડબ્લ્યુ કારમાં મરીન ડ્રાઇવ તરફ નીકળ્યો હતો. એ સમયે ડ્રાઇવર કાર હંકારી રહ્યો હતો. મરીન ડ્રાઇવ પર લટાર માર્યા બાદ પાછા ફરતી વખતે મિહિરે સ્ટિયરિંગ સંભાળ્યું હતું. વહેલી સવારે વરલીના ડો. એની બેસન્ટ રોડ પર લેન્ડમાર્ક જીપ શો-રૂમ સામેથી પસાર થતી વખતે મિહિરે નાખવા દંપતીના સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી.
વરલી કોલીવાડામાં રહેનારા પ્રદીપ નાખવા અને તેની પત્ની કાવેરી રવિવારે મળસકે ક્રાફર્ડ માર્કેટ માછલી લાવવા આવ્યાં હતાં. માછલી લઇને બંને જણ સ્કૂટર પર પાછા ફરી રહ્યાં હતાં ત્યારે મિહિરે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કાવેરી નાખવા અને તેનો પતિ પ્રદીપ બીએમડબ્લ્યુના બોનટ પર પટકાયાં હતાં. પ્રદીપ બાદમાં જમીન પર પડી ગયો હતો, જ્યારે કાવેરીની સાડીને છેડો ટાયરમાં વીંટળાઇ જતાં તે બોનેટ અને બંપર વચ્ચે ફસાઇ પડી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
મહિલા બોનટ પર ફસાઇ ગઇ હોવાનું જોયા છતાં મિહિરે કાર પૂરપાટ વેગે હંકારી મૂકી હતી અને દોઢ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તેણે સી-લિંક નજીક અચાનક બ્રેક મારી હતી. મિહિર અને ડ્રાઇવર કારમાંથી બહાર આવ્યા હતા. તેમણે બોનેટ-બંપર વચ્ચે ફસાયેલી મહિલાને નીચે ઉતારી રસ્તા પર મૂકી હતી. બાદમાં ડ્રાઇવર રાજઋષી કાર ચલાવવા બેઠો હતો. તેણે કારને રિવર્સમાં લીધી હતી અને મહિલા પર કાર ચડાવ્યા બાદ ત્યાંથી તેણે કાર હંકારી મૂકી હતી. મહિલાને ગંભીર હાલતમાં છોડીને તેઓ સી-લિંક પરથી બાંદ્રાની દિશામાં ફરાર થઇ ગયા હતા.
આરોપી મિહિરના પિતાના બિલ્ડિંગ મટિરિયલ સપ્લાય કરવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેની સામે અન્ય કોઇ ગુના નોંધાયેલા ન હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત બાદ મિહિર શાહને તેના પિતાએ ભાગી જવાની સલાહ આપી
વરલીમાં બીએમડબ્લ્યુ કાર હંકારીને સ્કૂટર પર જઇ રહેલા નાખવા દંપતીને અડફેટમાં લેનારા મિહિર શાહને અકસ્માત બાદ તેના પિતાએ મોબાઇલ બંધ કરી ભાગી છૂટવાની સલાહ આપી હતી, જ્યારે ડ્રાઇવરને અકસ્માતની જવાબદારી સ્વીકારી લેવાનું જણાવ્યું હતું.
વરલીના ડો. એની બેસન્ટ રોડ પર સ્કૂટર પર જઇ રહેલા નાખવા દંપતીને બીએમડબ્લ્યુની અડફેટે લીધા બાદ ત્યાંથી ફરાર થયેલા મિહિર શાહે તેના પિતાને કૉલ કર્યો હતો અને અકસ્માતની જાણ કરી હતી. પિતા રાજેશ શાહે એ સમયે મિહિરને પોતાનો મોબાઇલ બંધ કરીને ભાગી છૂટવાની સલાહ આપી હતી. રાજેશ શાહે મિહિરને આ વાત મનમાં ફસાવી રાખવાની સૂચના આપી હતી કે તું કાર હંકારતો નહોતો અને તેણે ડ્રાઇવરને અકસ્માતની જવાબદારી સ્વીકારવા કહ્યું હતું.
મિહિર તેના ડ્રાઇવર સાથે કારમાં બાંદ્રા તરફ ભાગી છૂટ્યો હતો, પણ કલાનગર નજીક કાર બંધ પડી ગઇ હતી. રાજેશ શાહ બાદમાં અન્ય કારમાં ઘટનાસ્થળે આવવા નીકળ્યો હતો. બીએમડબ્લ્યુ કાર ટોઇંગ કરીને તેઓ પાછા ફરે એ પહેલાં ત્યાં પોલીસ પહોંચી ગઇ હતી. પોલીસે રાજેશ શાહ અને ડ્રાઇવર રાજઋષીને તાબામાં લીધા હતા. બાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
રાજેશ શાહને જામીન મળ્યા: ડ્રાઇવરને એક દિવસની પોલીસ કસ્ટડી
વરલી બીએમડબ્લ્યુ અકસ્માત બાદ ધરપકડ કરાયેલા રાજેશ શાહ અને ડ્રાઇવર રાજઋષીને સોમવારે બપોરે શિવડી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં રાજેશ શાહને જામીન મળ્યા હતા, જ્યારે ડ્રાઇવરને એક દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
મેટ્રોપોલિટ મેજિસ્ટ્રેટ સુહાસ ભોસલેએ રાજેશ શાહને પહેલા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. બાદમાં તેના જામીન મંજૂર કરાયા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ) તેને લાગુ પડતી નથી. બચાવપક્ષના વકીલ ભારદ્વાજે જણાવ્યું હતું કે સદોષ મનુષ્યવધનો ગુનો રાજેશ શાહ પર લાગુ પડતો નથી, કારણ કે તે કાર ચલાવી પણ રહ્યો નહોતો અને ઘટનાસ્થળે હાજર પણ રહ્યો નહોતો. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજઋષીની કસ્ટડીની પણ આવશ્યકતા નથી, કારણ કે તેની પાસેથી કશું જ મળ્યું નથી.
પોલીસે કોર્ટમાં રજૂ કર્યા સીસીટીવી ફૂટેજ
રાજેશ શાહ અને ડ્રાઇવર રાજઋષી બિડાવતને કોર્ટમાં હાજર કર્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટે જ કોર્ટમાં રજૂ કર્યા હતા. ફૂટેજમાં નજરે પડે છે કે મહિલા કાવેરી નાખવાને દોઢ કિ.મી. સુધી ઘસડવામાં આવી હતી. ઉપરાંત આરોપીઓ બીએમડબ્લ્યુના બોનેટ અને બંપર વચ્ચે ફસાયેલી મહિલાને બહાર કાઢતા, તેને રસ્તા પર મૂકતા અને બાદમાં રિવર્સ લીધા બાદ તેના પર કાર ચડાવતા નજરે પડે છે.